નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબીબી શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી અનામતનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે NEET દ્વારા તબીબી સંસ્થાઓમાં પ્રવેશના સંદર્ભમાં ઓબીસી વિદ્યાર્થીઓને આરક્ષણની સુવિધા નથી મળી રહી.
સોનિયા ગાંધીએ કહ્યું કે, 'અખિલ ભારતીય કોટા હેઠળ તમામ કેન્દ્રિય અને રાજ્ય મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક નબળા વર્ગ માટે અનુક્રમે 15, 7.5 અને 10 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. જો કે, ઓલ ઇન્ડિયા કોટા હેઠળ OBC વિદ્યાર્થીઓ માટે અનામત ફક્ત કેન્દ્રીય સંસ્થાઓ સુધી મર્યાદિત છે.