નવી દિલ્હીઃ આખરે લાંબા સમય બાદ રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 5 ઑગસ્ટે રામમંદિરનો પાયો નાખવામાં આવશે. આ મામલે ઇટીવી ભારતે અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ અને કાલકાજી મંદિરના મહંત સુરેન્દ્રનાથ અવધૂત મહારાજ સાથે વાતચીત કરી.
મહંત સુરેન્દ્રનાથ અવધૂતે વાતચીતમાં જણાવ્યું હતું કે કોઇપણ મંદિર નિર્માણ માટે ગૌશાળા, નદીઓ, મંદિર, જેવા પવિત્ર સ્થાનની માટી તેમજ જળ લઇ જવામાં આવે છે. રામમંદિર નિર્માણ માટે દેશભરમાંથી અલગ અલગ ધાર્મિક સ્થાનોની પવિત્ર માટી મંગાવવામાં આવી છે ત્યારે દિલ્હીના પણ 11 ધાર્મિક સંસ્થાનો જેમ કે સિદ્ધપીઠ કાલકાજી મંદિર, પાંડવ યુગનું ભૈરવ મંદિર, ચાંદની ચોકનું ગુરુદ્વારા શીશગંજ, ગૌરીશંકર મંદિર, શ્રી દિગંબર જૈન લાલ મંદિર, કનોટ પ્લેસ ખાતે આવેલું પ્રાચીન હનુમાન મંદિર તથા શિવ નવગ્રહ મંદિર, બાંગ્લા સાહિબનું કાલીમાતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભગવાન વાલ્મીકિનું મંદિર તથા ઝંડેવાલા મંદિર ની માટી લેવામાં આવી છે.