નવી દિલ્હી : રાજસ્થાનની ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થઇ ગઇ છે. સ્પીકરની કાર્યવાહી પર શુક્રવાર (24 જુલાઇ) સુધી રોક લગાવવામાં આવી છે.
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયક કાર્યવાહીને 24 જુલાઈ સુધી અટકાવવાનો હાઇકોર્ટને કોઈ અધિકાર નથી. આ બળવાખોર ધારાસભ્યોમાં સચિન પાયલોટ પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આગામી સુનાવણી સોમવારે થશે. સોમવાર સુધી પાયલોટ અને તેના સમર્થક ધારાસભ્યોને સ્પીકર સસ્પેન્ડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોઈ સાધારણ વાત નથી. ન્યાયાધીશે કહ્યું કે, તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી સ્વીકાર્ય છે કે નહીં.
અગાઉ સ્પીકરે હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો હતો. સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાની વાત કહી હતી. સીપી જોશીએ કહ્યું કે, સ્પીકર પાસે કારણ દર્શક નોટીસ આપવાનો અધિકાર છે.સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ 23 જુલાઇ (ગુરુવાર)ની કાર્યસૂચી અનુસાર ન્યાયામૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયામૂર્તિ બી.આર. ગવાઈ અને કૃષ્ણ મુરારીની પીઠ આ અરજી પર સુનાવણી કરી હતી.