નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મોહરમ જુલૂસ કાઢવાની માગ કરનારી અરજી પર ગુરુવારે સુનાવણી કરી છે. કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
મુખ્ય જજ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજીની સુનાવણી કરી હતી. કોર્ટે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને જુલૂસ કાઢવાની પરવાની આપવાનો ઈન્કાર કરી દીધો છે.
કોર્ટે કહ્યું કે, જુલૂસ કાઢવાની પરવાનગી આપવાથી અરાજકતા ફેલાઇ શકે છે.
મહારાષ્ટ્રમાં જુલૂસ કાઢવાની પરવાનગી નહીં
મહારાષ્ટ્ર સરકારે એક પરિપત્ર જાહેર કરીને સાદગી સાથે મોહરમની ઉજવણી કરવાની અપીલ કરી છે. આ સાથે જ સરકારે કહ્યું કે, કોવિડ-19ને ધ્યાનમાં રાખીને જુલૂસ કાઢવાની પરવાનગી મંજૂર કરવામાં આવશે નહીં.
કવાલ ગામમાં મોહરમ પહેલા ચુસ્ત બંદોબસ્ત
અધિકારીઓએ માહિતી આપી કે, મુઝફ્ફરનગર (યુપી) જિલ્લાના કવાલ ગામમાં મોહરમ અગાઉ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જનસઠ પોલીસ સ્ટેશનના પ્રભારી દીપક ચતુર્વેદીના જણાવ્યા મુજબ, મોહરમને ધ્યાનમાં રાખીને કવાલ ગામમાં PAC સહિતનો વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મોહરમની ઉજવણી સાતમી સદીમાં કરબલાના યુદ્ધમાં હઝરત ઈમામ હુસૈનની શહીદીની યાદમાં કરવામાં આવે છે. મોહરસ ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ અને પવિત્ર મહિનો છે.