અયોધ્યા જમીન વિવાદ મુદ્દે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે,16 ઓક્ટોબરે આ મામલાની 40મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કહ્યું કે, બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે. અયોધ્યામાં ઘણી મસ્જિદો છે. જ્યાં મુસ્લિમ લોકો નમાજ અદા કરી શકે છે, પરંતુ હિન્દુ ભગવાન રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યાને બદલી ન શકાય. આ વર્ષે 6 ઓગસ્ટથી ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી 5 જજોની બેચમાં નિયમીત સુનાવણી ચાલી રહી છે.
બુધવારે પુરી થઈ શકે છે અયોધ્યા કેસની સુનાવણી, CJIએ આપ્યા સંકેત
નવી દિલ્હી : અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ સુનાવણી પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી છે.અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી પુરી કરી શકે છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ આવા સંકેત આપ્યા છે. અયોધ્યા કેસમાં મંગળવારે 39મા દિવસે સુનાવણી પુરી થઈ હતી. CJIએ જણાવ્યું કે, હિન્દુ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથન આવતીકાલે 45 મિનિટ વધુ ચર્ચા કરશે. તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન એક કલાક જવાબ આપશે. ત્યાર પછી બંને પક્ષને પોત-પોતાની દલીલ પર બોલવા માટે 45-45 મિનિટનો સમય આપવામાં આવશે.
વકીલ સી.એસ. વૈદ્યનાથને સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કરવા માટે વધુ સમય માગ્યો છે. વૈદ્યનાથને જણાવ્યું કે, દલીલો રજુ કરવા માટે મને 60 મિનિટ જોઈએ છે. CJIએ કહ્યું કે, તમે તમારી લેખિત દલીલ કોર્ટને આપો. વૈદ્યનાથને કહ્યું કે, કોર્ટે અમને સાંભળવા જોઈએ, અમે ગંભીર બાબતો પર દલીલ આપવા માગીએ છીએ. ત્યારે મુખ્ય ન્યાયાધિશે નારાજ થતા કહ્યું કે, "સારું, તો પછી દિવાળી સુધી સુનાવણી કરતા રહીએ."
5 જજોની બેચમાં ચીફ જસ્ટિસ સિવાય જસ્ટિસ એસ.એ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ.નજીર છે. બેચે કહ્યું હતું કે,‘તેમનો(મુસ્લિમ પક્ષ)ના કહ્યાં પ્રમાણે, એક વખત મસ્જિદ બની ગઈ તો તે હંમેશા મસ્જિદ જ રહેશે. શું તમે આ વાતથી સહમત છો?’ આ અંગે પારાશરણે કહ્યું કે,‘હું આ વાતનું સમર્થન કરતો નથી, હું કહેવા માંગીશ કે, એક વખત કોઈ મંદિર બની ગયું, તો તે હંમેશા મંદિર તરીકે ઓળખવામાં આવશે’