ન્યૂઝ ડેસ્કઃ શિયાળાની ઋતુનું આગમન થઇ ચૂક્યું છે અને તેની સાથે જ સિઝનલ શરદી અને તાવ થવાની શક્યતાઓ પણ સર્જાઇ છે. મોસમમાં આવતા પલટાને કારણે તાવ આવે છે અને તાવના કારણે શરીરમાં થાક અને દુખાવાનો અનુભવ થાય છે. આ લક્ષણો અનુભવાય, તે સાથે જ આપણે તરત ડોક્ટર પાસે દોડી જઇએ છીએ અને દવા લેવાનું શરૂ કરી દઇએ છીએ. પણ સામાન્યપણે આપણે એ હકીકત અવગણીએ છીએ કે, રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલી તે દવાઓની આડઅસરો પણ હોઇ શકે છે. આથી, અત્યંત ઓછી કે નહિવત્ આડઅસરો ધરાવતો ઇલાજ ઘરના રસોડામાંથી જ મળી રહે છે. એવા ઘણા મસાલા અને ખાદ્ય પદાર્થો છે, જે શરદી અને તાવ મટાડે છે અને સાથે જ તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ પૈકીની કેટલીક ઘરેલૂ ઔષધિઓ આ પ્રમાણે છેઃ
આદુ
આદુમાં રહેલા એન્ટિવાઇરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોને કારણે તે હંમેશાથી ભારતીય રસોડાની એક મહત્વની સામગ્રી રહ્યું છે. આદુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તથા વિવિધ પ્રકારનાં ઇન્ફેક્શન્સને ઘટાડવામાં મદદરૂપ થાય છે. શાકભાજી હોય કે પીણું, આદુ લગભગ દરેક ડિશ કે પીણા, ખાસ કરીને ચાની લિજ્જત વધારી દે છે. આદુને છીણીને તેને પાણીમાં ઉકાળો. ત્યાર પછી આ મિશ્રણમાં મધ ભેળવીને પી જવું. તેનાથી તાવ અને શરદીમાં રાહત થાય છે. આ પીણાને વધુ અસરકારક બનાવવા માટે તમે તેમાં થોડું લીંબુ પણ નીચોવી શકો.
તુલસી
તુલસીમાં રહેલા ઔષધીય ગુણોને કારણે માત્ર ઘરગથ્થુ ઉપચારમાં જ નહીં, બલ્કે આયુર્વાદમાં પણ તેને એક મહત્વપૂર્ણ ઔષધિ ગણાવવામાં આવી છે. તુલસીનાં પાનની એન્ટિબાયોટિક્સ સાથે તુલના કરવામાં આવે છે. મોસમી તાવમાંથી રાહત મેળવવા માટે એક ચમચી આદુ અને એક મુઠ્ઠી તુલસીનાં પાન લઇને પાણીમાં નાંખીને ઉકાળવું. પાણી ઉકળીને અડધું થઇ જાય, તે પછી તે પી જવું. જો મધનો સ્વાદ પસંદ હોય, તો ઉકાળો આંચ પરથી ઉતારી લીધા બાદ તેમાં મધ પણ ઉમેરી શકાય. મોસમી તાવ આવતો હોય, ત્યારે આ ઉકાળો દિવસમાં ચારથી પાંચ વખત પીવાથી ઘણો ફાયદો થાય છે.