જયપુરઃ રાજસ્થાનમાં ગત એક મહિનાથી ચાલી રહેલી રાજકીય લડત વચ્ચે સોમવારે પ્રથમ વખત સચિન પાયલટ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત બાદ મીડિયા સામે આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગત થોડા સમયથી અમારા સાથી ધારાસભ્યો દિલ્હીમાં આવ્યા હતા. અમારે સરકાર અને સંગઠનના ઘણા મુદ્દા હતા. જેના પર અમારે કેન્દ્રીય નૈતૃત્વ સાથે ચર્ચા કરવાની હતી.
પાયલટની વાપસી, કહ્યું - લડત પદ માટે નહીં પણ સમ્માન માટે હતી
રાજસ્થાનમાં ગત એક મહિનાથી ચાલી રહેલી રાજકીય લડત વચ્ચે સોમવારે પ્રથમ વખત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ મીડિયાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, પાર્ટી પદ આપે પણ છે અને તે પદ છીનવે પણ છે, મને આ પદની કોઈ લાલચ નથી, પરંતુ મેં મારું માન અને સમ્માન પાર્ટી હાઈકમાન્ડ સામે રાખ્યું છે.
પાયલટે કહ્યું કે, રાજદ્રોહનો કેસ હોય કે સરકારના કામ કરવાની રીત, કોંગ્રેસ હાઈકમાન્ડને તમામ અંગે જણાવવામાં આવ્યું છે. અમને લાગે છે કે, આ વાત પાર્ટી સમક્ષ રાખવાની જરૂરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ઘણી વાતો કહેવામાં આવી હતી અને મારે પણ ઘણું વ્યક્તિગત રૂપે સાંભળવું પડ્યું હતું. જેનાથી મને આશ્ચર્ય પણ થયું, પરંતુ રાજકારણમાં સંયમ જાળવવો પડે છે.
સચિન પાયલટે કહ્યું કે, રાજનીતિમાં અમે તમામ લોકોએ મળીને 5 વર્ષમાં સરકાર બનાવી અને અમે સરકારના ભાગીદાર હતા, પરંતુ જે વાત પર મારો વાંધો હતો, તે અંગે મેં કોંગ્રેસ હાઇકમાન્ડને જણાવ્યું છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમારી વાત સાંભળીને અમે આશ્વાસ આપી ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. જે સમયબદ્ધ રીતે સમાધાન લાવશે.