અયોધ્યાઃ સંઘ પરિવાર માટે રામ મંદિરનું નિર્માણ પ્રથમથી જ કેન્દ્રીય મુદ્દો રહ્યો છે અને તેના કારણે જ ભાજપના છેલ્લા ઘણા ચૂંટણી ઢંઢેરામાં તેને અગત્યનું સ્થાન મળતું રહ્યું હતું. જોકે રામ મંદિરનું નિર્માણ કેવી રીતે થઈ શકશે તે બાબતમાં અસમંજસ હતી. મોટા ભાગના પ્રયાસો સર્વપક્ષી વાતચીત કરીને ઉકેલ લાવવા માટેના હતા. આ સમયગાળામાં એક ડઝનથી વધુ વાર વાટાઘાટો માટેના પ્રયાસો થતા રહ્યા હતા, પણ કોઈ પરિણામ આવ્યું નહોતું.
નરેન્દ્ર મોદી બીજી વાર વધુ બહુમતી સાથે વડા પ્રધાન બન્યા ત્યાર પછી આખરી ચુકાદા માટેનો તખતો તૈયાર થયો હતો. સરકારે સુપ્રીમ કોર્ટના માધ્યમથી ઉકેલ લાવવાનો માર્ગ અપનાવ્યો હતો. દાયકાઓ સુધી જે મામલો અદાલતોમાં અટવાતો રહ્યો હતો, તે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે માત્ર 40 દિવસોમાં ઉકેલીને ચુકાદો આપી દીધો.
સંઘ પરિવારને રામ મંદિર / બાબરી મસ્જિદના મુદ્દામાં હિન્દુત્વનો અસરકારક મુદ્દો દેખાયો હતો. 1980ના દાયકાના પ્રારંભની આ વાત છે. વિશ્વ હિન્દુ પરિષદે સંઘ પરિવારના વિશાળ સદસ્યગણને સાથે રાખીને અયોધ્યામાં સરયૂ નદીને કિનારે જાન્યુઆરી 1984માં વિશાળ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેની થીમ અને સ્લોગન હતું, "તાલા ખોલો તાલા ખોલો, જન્મભૂમિ કા તાલા ખોલો."
વિશ્વ હિન્દુ પરિષદના આંદોલન પર સવાર થઈને ભાજપ આગળ વધવા લાગ્યો. ફેબ્રુઆરી 1986માં ફૈઝાબાદની અદલાતે રામ જન્મભૂમિના તાળા ખોલવાનો આદેશ આપ્યો અને ત્યાં હિન્દુઓને પૂજા માટેની મંજૂરી પણ આપી દીધી. તેને કારણે વિહિપના આંદોલનને વધારે વેગ મળ્યો હતો. ઑગસ્ટ 1989માં અલાહાબાદ હાઈ કોર્ટે રામ જન્મભૂમિ / બાબરી મસ્જિદ ટાઇટલ સ્યૂટની કેસની સુનાવણી પોતાના હસ્તક લઈ લીધી હતી.
આ ઐતિહાસિક ઘટનાઓમાં વધુ એક મહત્ત્વનો વળાંક નવેમ્બર 1989માં આવ્યો. તે વખતે માથે લોકસભાની ચૂંટણી તોળાઈ રહી હતી એટલે રાજીવ ગાંધીની સરકારે વિવાદાસ્પદ જગ્યાએ શિલાન્યાસ કરવાની મંજૂરી આપી દીધી હતી. તે પછી વિહિપે રામ મંદિરના મુદ્દાને દેશભરમાં ઉગ્રતા સાથે ચગાવવાનું શરૂ કરી દીધું હતું. નવેમ્બર 1990માં પ્રતિબંધો વચ્ચે પણ સંઘ પરિવારના લાખો લોકો અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે એકઠા થયા હતા. વિશાળ ટોળું ઇમારત તરફ આગળ વધવા લાગ્યું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો અને તેમાં 30થી વધુના મોત થયા.
જોકે ભાજપને આ આંદોલન ફળ્યું અને લોક સભાની 1991ની ચૂંટણીમાં 45 બેઠકો મળી. તે પછી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મોટો ફાયદો થયો અને 57થી વધીને 193 બેઠકો મળી ગઈ.
ભાજપના આગળ વધી રહેલા રથને કેવી રીતે રોકવો તેની કોઈ સમજ કોંગ્રેસના નેતાઓને પડી રહી નહોતી. અડવાણીની સપ્ટેમ્બર 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા શરૂ થઈ, તેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટવા લાગ્યા હતા. તેના કારણે હિન્દુત્વનું મોજું પેદા કરવામાં ભાજપને સફળતા મળી હતી. અયોધ્યા રામ જન્મભૂમિમાં બનેલી બધી જ મહત્ત્વની ઘટનાઓમાં અને છેલ્લે તાળું ખોલવા સહિતની ઘટનામાં કોંગ્રેસની જ અગત્યની ભૂમિકા હતી, પણ સંઘ પરિવાર હંમેશા સ્થિતિનો લાભ લઈ લેવા માટે તત્પર રહેતો હતો.
માત્ર વડા પ્રધાન વી. પી. સિંહ પાસે કમસે કમ સંઘ પરિવારને રોકવા માટેનો થોડો ઘણો વિચાર હતો. તેમણે કમંડલનો સામનો કરવા માટે મંડલ પંચનો મુદ્દો ઊભો કર્યો હતો. 7 ઑગસ્ટ 1990ના રોજ વી. પી. સિંહની સરકારે મંડલ પંચની ભલામણો સ્વીકારી લીધી હતી. આ ભલામણો પ્રમાણે સરકારી નોકરીઓમાં ઓબીસી માટે 27 ટકા અનામત દાખલ કરવામાં આવી હતી. મંડલ પંચ અમુક અંશે ઉપયોગી થયું, પણ તેનાથી ભાજપના વિજય રથને અટકાવી શકાયો નહિ.
આખરી લડત 6 ડિસેમ્બર, 1992થી થઈ અને તે દિવસે બાબરીના માળખાને ધ્વસ્ત કરી દેવાયું. કેટલાય પત્રકારોને કાર સેવકોએ ઘેરી લીધા હતા. તેમના ટેપ રેકોર્ડર્સ અને કેમેરા પડાવી લેવાયા હતા. આખું માળખું તોડી નાખવામાં ના આવ્યું ત્યાં સુધી તેમને ફરસ પર બેસી રહેવાની ફરજ પડાઈ હતી. લગભગ ચારેક કલાકમાં માળખાને જમીનદોસ્ત કરી દેવાયું હતું. આ કિસ્સામાં પણ કોંગ્રેસના વડા પ્રધાન નરસિંહ રાવની નિષ્ક્રિયતાની કામય ચર્ચા થતી રહેશે.
1993માં પી.વી. નરસિંહ રાવે આસપાસની 67 એકર જમીન હસ્તગત કરી હતી. 1992માં માળખાને તોડી પડાયા પછી એ જગ્યાને ચારે બાજુથી કોર્ડન કરીને અવરજવર બંધ કરી દેવાઈ હતી. જૂન 2009માં લિબરહાન પંચે પોતાનો અહેવાલ આપ્યો હતો અને તેમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતી સહિતના સંઘ પરિવારના 68 નેતાઓ સામે આરોપો મૂકાયા હતા.
30 સપ્ટેમ્બર, 2010માં ફરીથી દેશભરમાં હલચલ મચી હતી. તે દિવસે અલાહાબાદ હાઈ કોર્ટે બહુમતીથી ચૂકાદો આપીને જણાવ્યું હતું કે જમીનની વહેંચણી સંબંધિત પક્ષો વચ્ચે કરવામાં આવશે. જોકે આ ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટે મે 2011માં સ્ટે આપ્યો હતો. જાન્યુઆરી 2019માં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે કેસની સુનાવણી શરૂ કરી હતી. બેન્ચે મધ્યસ્થી માટેની ભલામણ પણ કરી હતી. જોકે મધ્યસ્થી માટેના પ્રયાસો સફળ ના રહ્યા તે પછી 6 ઑગસ્ટ, 2019ના રોજથી આ કેસમાં રોજિંદા ધોરણે સુનાવણી શરૂ થઈ હતી. નક્કી થયા પ્રમાણે 40 દિવસની સુનાવણી બાદ ચૂકાદો પણ આપી દેવામાં આવ્યો હતો. રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવાયું છે. નવા રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવા માટે આખરે 5 ઑગસ્ટ, 2020ના રોજ વિધિવત ખાતમૂહુર્ત થશે.
#RamMandir : અયોધ્યા વિવાદનો 40 દિવસમાં ચુકાદો, વાંચો 50 વર્ષ લાંબી લડાઈ...
પાંચમી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ખાતમૂહુર્ત કરવા જઈ રકહ્યાં છે. આ સાથે 50 વર્ષના લાંબા કાનૂની અને સૌથી સંકુલ અને કોમવાદી મુદ્દાની કદાચ પૂર્ણાહૂતી થશે.
રામ મંદિર: 40 દિવસમાં ચુકાદાની 50 વર્ષોની સફર
- દિલીપ અવસ્થી
Last Updated : Aug 5, 2020, 7:17 AM IST