શ્રીનગરઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર છે. ગત રોજ શુક્રવારે લદ્દાખમાં રાજનાથસિંહે જવાનો સાથે મુલાકાત કરી ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનો વિશે વાત કરી હતી. આજે રાજનાથ સિંહે અમરનાથ મંદિર મુલાકાત લઈ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતાં.
આ દરમિયાન LC જીસી મુર્મૂ આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને નવાગઠિત કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા સ્થિતિ વિશે રાજનાથને માહિતી આપી હતી. રાજનાથસિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે હાજર રહ્યાં હતાં.
જો કે, મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. આ અંગે સેનાએ કહ્યું છે કે, આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવી શકે છે. ભારતીય સેનાના અધિકારી બ્રિગેડિયર વી.એસ. ઠાકુરે કહ્યું કે, સેનાને માહિતી મળી છે કે, આતંકીઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર અમરનાથ યાત્રાના ભક્તોને નિશાન બનાવવાની શકે છે. આતંકવાદીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું કરી રહ્યાં છે.
મહત્વનું છે કે, શુક્રવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં વલીદ નામના પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતાં. આ સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. જો કે, આજે શનિવારે પણ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણં થઈ હતી. આ અથડામણમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજીવાર અથડામણ થઈ છે. હાલ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.