ન્યૂઝ ડેસ્ક: એક નવા સર્વે અનુસાર, પ્રત્યેક ત્રણમાંથી એક વાલીએ પીયર સપોર્ટ લીડર્સ (સમવયસ્ક સહાય આગેવાનો) જેવા માનસિક આરોગ્ય કાર્યક્રમો ધરાવતી શાળાઓનું મક્કમપણે સમર્થન કર્યું હતું.
આ સર્વે સૂચવે છે કે, પાંચમાંથી એક ટીનેજરમાં ડિપ્રેશન અથવા વ્યગ્રતા જેવી માનસિક આરોગ્યની સમસ્યાઓનાં લક્ષણો જોવા મળ્યાં છે અને આત્મહત્યા એ ટીનેજર્સમાં મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે.
પરંતુ, તરૂણોને જેના પર વિશ્વાસ બેસે, તેવી વ્યક્તિ હંમેશા પુખ્ત વયની જ હોય તે જરૂરી નથી – તેઓ તેમની જ વયના અન્ય ટીનેજર સાથે વાત કરવાનું પસંદ કરે, તે શક્ય છે. "સમવયસ્કો સાંવેદનિક સમસ્યાઓ ધરાવનારા ટીનેજર્સને જરૂરી સહાય પૂરી પાડી શકે છે, કારણ કે તેઓ એકમેકને પરસ્પર સાંકળી શકે છે," તેમ અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ મિશિગનનાં સારાહ ક્લાર્કે એક યાદીમાં જણાવ્યું હતું.
"કેટલાંક ટીનેજર્સને એવી ચિંતા સતાવતી હોય છે કે તેમનાં માતા-પિતા વધુ પડતી પ્રતિક્રિયા આપશે અથવા તો પોતે જે તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે, તેને બરાબર સમજશે નહીં. શિક્ષકો અને સ્કૂલ કાઉન્સેલર્સ અગાઉથી જ અન્ય જવાબદારીઓ ધરાવતા હોવાથી તેમની પાસે પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે મર્યાદિત સમય હોય છે," તેમ ક્લાર્કે ઉમેર્યું હતું.