અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતના ઉમેદાવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ અમદાવાદ પૂર્વના હાલના સાંસદ પરેશ રાવલે ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. પરેશ રાવલે ટ્વીટ કરી કહ્યું કે, મેં પાર્ટીને એક મહિના પહેલા જ જણાવી દીધું છે કે, હું લોકસભા ચૂંટણી નહી લડું. આ બાબતે મીડિયાના મિત્રોને નિવેદન છે કે, અટકળો ન કરે.
ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને પોતાના વિચારો સ્પષ્ટ કર્યા છે કે, "મને ટિકીટ મળશે તો પણ હું લડીશ નહી. મે મારા નિવેદનો અને ઈન્ટરવ્યુંમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મને રાજકીય કારકિર્દીમાં રસ નથી". વધુમાં પરેશ રાવલે જણાવ્યુ કે, હું લોકસભા ચૂંટણી લડવાનો નથી. હું ભાજપનો વફાદાર સભ્ય છું અને નરેન્દ્ર મોદીનો સખત સમર્થક છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા 2014ની લોકસભાની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની બેઠક પરથી પરેશ રાવલ જંગી બહુમતીથી જીત્યા હતા. પણ થોડા દિવસ પહેલા ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયામાં અમદાવાદ પૂર્વના કાર્યકરો દ્વારા પરેશ રાવલની વિસ્તારમાં ગેરહાજરીને કારણે રોષ જોવા મળ્યો હતો.
તેમજ તે અગાઉ પણ અમદાવાદ પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટી બહાર બોર્ડ પણ લાગ્યા હતા કે, અમારા સાંસદ ગુમ થયા છે. તેમજ ચાંદખેડાની એક સોસાયટીની મુલાકાતે જ્યારે પરેશ રાવલ ગયા ત્યારે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો. આમ ચારેય બાજુ પરેશ રાવલનો વિરોધ અને રોષની લાગણી જોવા મળી રહી છે. તેને કારણે જ પરેશ રાવલે જાતે જ ચૂંટણી નહી લડવાનો નિર્ણય લીધો હોવાનું લાગી રહ્યું છે.
પરેશ રાવલનો રાજકીય ઇતિહાસ
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં અમદાવાદ પૂર્વની બેઠક પર પરેશ રાવલને 6,33,582 મત મળ્યા હતા અને કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 3,06,949 મત મળ્યા હતા. આમ પરેશ રાવલ 3,26,633 મતની બહુમતીથી જીત્યા હતા.