ન્યૂઝ ડેસ્કઃ શાળાઓ બંધ છે અને બાળકો ઘરની બહાર જઇ શકતા નથી જેના કારણે તેઓના દિમાગ ઉપર વિપરીત અસર પડી છે. બાળકો ચિડિયાપણા, માનસિક તાણ અને બેચેનીનો અનુભવ કરી રહ્યા છે. અને તેથી જ બાળકોની સાથે ખુબ જ ધૈર્યપૂક, પ્રેમથી અને કાળજીપૂર્વક કામ લેવાની માતા-પિતાની જવાબદારી વધી ગઇ છે. પરંતુ યાદ રહે કે શાળાઓ બંધ થઇ જવી તે બાબત બાળકો અને કિશોરો સાથે સંબંધ સુધારવાની એક ઉત્તમ તક પૂરવાર થઇ શકે તેમ છે. હાલ તેઓની પાસે પુષ્કળ સમય ઉપલબ્ધ હોવાથી તેઓ બાળકોને પ્રેમ-હૂંફ અને કાળજીનો અહેસાસ કરાવવામાં આ સમયનો સદઉપયોગ કરી શકે છે.
વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ, પેરેન્ટિંગ ફોર લાઇફલોંગ હેલ્થ, ઇન્ટરનેટ ઓફ ગુડ થિંગ, સીડીસી અને એક્સલરેટ જેવી સંસ્થાઓ આ કપરાં સંજોગોમાં માતા-પિતા માટે બાળકોને તેઓના પાતોના મહત્વનો અને પ્રેમનો અહેસાસ કરાવતાં કેટલાંક સૂચનો લઇને આવી છે. શ્રેણીબધ્ધ સૂચનો અનુસાર માતા-પિતાએ બાળક સાથે સમય પસાર કરવા કેટલોક સમય બાજુએ કાઢવો જોઇએ. તે સમય 20 મિનિટ કે તેથી વધુ હોઇ શકે, જે દરમ્યાન બાળકને પૂછવું જોઇએ કે સોસિયલ ડિસ્ટંન્સિંગના નિયમોની મર્યાદામાં રહીને તેને શું કરવું ગમશે?
શિશુ અવસ્થાના બાળકો માટે ગીત ગાવું, થાળી-ચમચીથી સંગીત વગાડવું બ્લોકની ગોઠવણ કરીને ઘર બનાવવું, વાર્તા વાંચવી કે પુસ્તક વાંચવું યોગ્ય રહેશે. ટિનએજના બાળકોને તેઓના મિત્રો, સ્પોર્ટ્સ અને ટીવી શો જેવા તેઓના ગમતા વિષયો અંગે પ્રશ્નો પૂછીને તેઓનું મનોરંજન કરી શકાય. ઘરની આસપાસ કે ઘરની અંદર સાથે ચાલીને કે સાથે એક્સરસાઇઝ કરવાની બાબત પણ શ્રેષ્ઠ ગણાશે. થોડા સમય માટે ટીવી અને મોબાઇલ ફોન બંધ કરી દઇને તે સમયનો પુસ્તકના વાંચનમાં કે નૃત્ય કે ચિત્રો નિહાળવામાં સદઉપયોગ કરી શકાય. ઘરમાં કચરો-પોતાં કરવા કે રાંધવા જેવા ઘરકામમાં જો બાળકોને જોતરવામાં આવશે તો તેઓને મજા પડશે, પરંતુ અભ્યાસ અને ગૃહકાર્યમાં બાળકોને મદદ કરી તે ઘણી મહત્વની બાબત છે.
જો કે બાળકોને સંભાળતા માતા-પિતા માટે પણ હાલ સમાનરીતે કપરો સમય ચાલી રહ્યો છે. માતા-પિતા અવાર-નવાર તેઓના સંતાનોને આ નહી કર, તે નહીં કર, અથવા તો તેઓની ઉપર બુમ-બરાડા પાડવાનું કામ કરતાં હોય છે. જો માતા-પિતા તેઓના સંતાનો પ્રત્યે હકારાત્મક રહેશે અને તેઓના વર્તનની પ્રશંસા કરશે તો તે ઘણી જ શ્રેષ્ઠ બાબત હશે. બાળકોની પ્રશંસા કરવાથી તેઓને પ્રોત્સાહન તો મળશે જ તે ઉપરાંત તેઓને એવો પણ અહેસાસ થશે કે કોઇ તેઓનું ધ્યાન રાખી રહ્યું છે અને તેઓની કાળજી લેવાઇ રહી છે. બાળકોની સાથે આદેશની ભાષામાં વાત કરવા કરતાં વિનંતીના સ્વરમાં વાત કરવામાં આવશે તો તે યોગ્ય ગણાશે. તેઓની ઉપર ઘાંટા પાડવાથી તેઓની માનસિક તાણ વધશે અને તેઓમાં ગુસસાનું પ્રમાણ વધશે. તેઓની સાથે મૃદુતાથી વાત કરો. ટિનએજના બાળકોને તેઓના મિત્રો સાથે સંદેશાવ્યવહાર કરાવામાં સક્ષમ બનાવવાના રહેશે. જ્યારે બાળકો તેઓના ભય અને ચિંતા વિશે વાત કરવા માંગતા હોય એવા વિશેષ સંજોગોમાં તેઓને તેઓના અભિપ્રાય વ્યક્ત કરવાનો સમય અને તક આપો.
આ સૂચનોમાં માતા-પિતાને તેઓના સંતાનો માટે માળખાગત પ્રવત્તિઓ માટે અને નવરાશના સમય માટે એક સમયપત્રક ઘડી કાઢવાનું પણ કહેવામાં આવ્યું છે. તેમ કરવાથી બાળકોને વધુ સુરક્ષિત હોવાનો અને સારું વર્તન થયાનો અહેસાસ થશે. રોજના કાર્યોની સૂચિમાં દરરોજ કસરતને ઉમેરવામાં આવશે તો બાળકોની માનસિક તાણ ઓછી થશે અને તેઓને પુષ્કળ ઊર્જા મળશે.