હિમાચલ પ્રદેશઃ આવું જ એક ઉદાહરણ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાનું છે, જ્યાં વિદ્યાર્થીઓ મૂળભૂત સ્માર્ટ ક્લાસની સુવિધાથી વંચિત છે. કોઇપણ વિઘ્ન વિના ઓનલાઇન વર્ગો ચલાવવા માટે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ હોવું અનિવાર્ય છે. પરંતુ, કિન્નૌર અને રેકોંગપિયોના સરહદીય પ્રદેશોમાં 2-જી ઇન્ટરનેટ જોડાણ મળવું પણ ઘણું મુશ્કેલ છે, જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ મેળવવું દોહ્યલું છે.
કુનો ચારંગના વિદ્યાર્થી વિવેકે જણાવ્યું હતું કે, “અમારા ગામમાં ઇન્ટરનેટની યોગ્ય સુવિધાઓ નથી. આથી અમારે ઓનલાઇન વર્ગોમાં અભ્યાસ કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.”
તો, કલ્પાની વિદ્યાર્થિની હરલીને જણાવ્યું હતું કે, “છેલ્લા એક મહિનાથી અમને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ઇન્ટરનેટના નબળા જોડાણને કારણે અમે સમસ્યા અનુભવી રહ્યા છીએ. ઘણી વખત અમે વિવિધ લિન્ક્સ પણ ખોલી શકતા નથી.”
દરમિયાન, જુદાં-જુદાં રાજ્યોમાં અભ્યાસ કરી રહેલા કિન્નૌર જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ કોરોનાવાઇરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે તેમના ઘરે પરત ફર્યા છે. શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના અભાવે આ સુવિધા મેળવી શકતા નથી. વિદ્યાર્થીઓના માતા-પિતા પણ મુસીબતમાં મૂકાયાં છે.
એક વિદ્યાર્થીની માતા શાંતા નેગીના જણાવ્યા મુજબ, “કિન્નૌર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન નથી. અમારી પાસે થ્રીજી અથવા ફોર-જી ઇન્ટરનેટ કનેક્શન ન હોવાને કારણે વિડિયો કોલ કરી શકાતો નથી. આ વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણ સંભવ નથી.”
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, કુનો ચારંગ, રોપા ખીણ, હેંગો ચુલિંગ, ચિટકુલ તથા સરહદ પરના અન્ય ઘણા વિસ્તારોમાં રહેતા લોકો પાસે સ્થાનિક કોલ કરવા માટે સુદ્ધાં નેટવર્ક ઉપલબ્ધ નથી હોતું. જોકે, ઇન્ટરનેટ સુવિધા ધરાવતા પ્રદેશોમાં પણ કનેક્ટિવિટીની સમસ્યાઓ પ્રવર્તે છે.
ગામના મુખી પૂરન સિંઘ નેગીએ જણાવ્યા પ્રમાણે, “કુન્નુ ચારંગ ગામમાં યોગ્ય ટેલિકોમ સુવિધાઓ નથી. 60 વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો, તેમ છતાં અમારા ગામમાં હજી પણ પ્રત્યાયન (કમ્યુનિકેશન)નું માધ્યમ ઉપલબ્ધ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ કેવી રીતે મેળવી શકે? આ શક્ય નથી.”
વાલીઓનો એવો અભિપ્રાય છે કે, ઇન્ટરનેટની ધીમી સ્પીડના કારણે બાળકોએ લેપટોપ અને મોબાઇલ ફોન પર વધુ સમય વીતાવવો પડે છે, જેની અસર તેમના આરોગ્ય પર પણ પડી રહી છે. વળી, આ કહેવાતું ‘સ્માર્ટ’ શિક્ષણ વાલીઓ માટે ખર્ચાળ પણ સાબિત થઇ રહ્યું છે. લોકડાઉન દરમિયાન, જ્યારે મંદી પ્રવર્તી રહી હતી, ત્યારે પોતાનાં બાળકો માટે ફોન અને લેપટોપ લાવવું તમામ વાલીઓ માટે સરળ ન હતું.