નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અને એલજેપીના સ્થાપક નેતા રામવિલાસ પાસવાને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ચિરાગ પાસવાન એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ પક્ષ સાથે સંબંધિત તમામ નિર્ણયો લેવા માટે અધિકૃત છે. ચિરાગ એલજેપી ચલાવે છે, ચિરાગ ઇચ્છે તે નિર્ણય લઈ શકે છે. ચિરાગ જે પણ નિર્ણય લેશે તેને હું ટેકો આપીશ.
તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદી અમારા નેતા છે. તેમણે ગરીબો માટે મોટા નિર્ણયો લીધાં છે. રામ વિલાસ પાસવાન વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યાં હતા. જેમાં તેમણે આ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું કે, એનડીએમાં રહેવું છે કે મહાગઠબંધનમાં જવું, આ અંગે સંપૂર્ણ નિર્ણય લેવામાં આવશે, અને આખો પક્ષ અને હું તેનો ટેકો આપીશું. ચિરાગ જાણે છે કે પાર્ટીના હિતમાં શું છે અને પાર્ટીના હિતમાં શું નથી. લોક જનશક્તિ પાર્ટી ચિરાગ સાથે છે.
લોક જનશક્તિ પાર્ટી એનડીએમાં રહેશે અથવા મહાગઠબંધનમાં જશે, આ માટે સસ્પેન્સ અકબંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમ સાંસદ ચિરાગ પાસવાન એનડીએ જોડાણમાં રહીને 43 બેઠકો પર બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે. તે ઈચ્છે છે કે, એલજેપીના 'બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ' વિઝન ડોક્યુમેન્ટને એનડીએના મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવે.
ચિરાગની માંગને લઈને એનડીએમાં હંગામો છે. સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે, શું એનડીએમાં એલજેપીની બધી માંગણીઓ સ્વીકારવામાં આવશે? જો કે, ભાજપ પૂરતો પ્રયાસ કરશે કે લોજપા એનડીએમાંથી બહાર ના જાય. ભાજપ સતત ચિરાગને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, ચિરાગ પાસવાન છેલ્લા કેટલાક સમયથી બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર સતત સવાલો કરે છે. તેમણે અનેક મુદ્દાઓ પર બિહાર સરકારને ઘેરી લીધી છે. એનડીએ જોડાણમાં જેડીયુને વધુ પ્રાધાન્ય મળી રહ્યું છે. ચિરાગ આ મામલે પણ ગુસ્સે છે. બીજી તરફ, એલજેપીને સતત મહાગઠબંધન તરફથી ઓફર મળી રહી છે.