શ્રીનગરઃ આજે સવારે 6 વાગ્યાથી વૈષ્ણોદેવીની યાત્રા શરૂ થઈ ગઈ છે. શ્રી માતા વૈષ્ણોવ દેવી શ્રાઈન બોર્ડે યાત્રાના પહેલા સપ્તાહમાં દરરોજ 2 હજાર ભક્તોને યાત્રાની મંજૂરી આપી. જેમાં અંદાજે 100 ભક્ત જ બહારના રાજ્યોના હશે. આ યાત્રામાં સામેલ થનારા ભક્તોને 14 કિમીનું ચઢાણ માસ્ક અથવા ફેસ કવર સાથે ચઢવું પડશે, કોઈ પણ ભક્તને ફેસ કવર અથવા માસ્ક ઉતારવાની મંજૂરી નથી.
પાંચ મહિના બાદ ફરી પાછી વૈષ્ણોવ દેવી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 6 વાગ્યાથી યાત્રિકો દર્શન માટે જઈ રહ્યાં છે. આમ, હાલ ભીડ ઘણી ઓછી છે. કારણે કે, સ્થાનિક લોકો જ દર્શન માટે જઈ રહ્યાં છે.
કોરોનાના કારણે આ વખતની યાત્રામાં ખાસ પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે. યાત્રા પર જતા યાત્રિઓનું તાપમાન તપાસવા માટે ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. સેનેટાઈઝરથી તેમને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે, ત્યારબાદ જ ભક્તો આગળ વધી રહ્યાં છે. પગપાળા જ માસ્ક લગાવીને 14 કિમીની યાત્રા કરવાની છે. આ પહેલા આવતા યાત્રિઓની સ્વાસ્થ્ય તપાસ માટે મેડિકલ ટેન્ટ અને ડોક્ટરની ટીમ તહેનાત કરવાની વાત કહેવાઈ હતી, પણ હજુ સુધી આ વ્યવસ્થા શરૂ થઈ શકી નથી.