કેન્દ્રીય પ્રધાન અને લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વેળાએ કહ્યું કે, NDA બિહારની 40 સીટો પર લોકસભા લડશે. તેમણે વધુમાં કહ્યું કે, મહાગઠબંધન બિહારમાં NDA રોકી શકશે નહીં.
લોક જનશક્તિ પાર્ટીએ પોતાના ઢંઢેરામાં ગૌરક્ષાના નામે ગુંડાગર્દી કરતા લોકો પર એક્શન લેવાની વાત કરી છે. આવું કરનારા લોકો પર 30 દિવસમાં જ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે તથા તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે.
LJPએ કહ્યું હતું કે, જો ભવિષ્યમાં ક્યારેય પણ તેમની સરકાર બનશે તો રોજગારીને મૌલિક અધિકારોમાં સામેલ કરવામાં આવશે. પાર્ટીએ સાંપ્રદાયિક દંગાઓ પર નિરાકરણ લાવવા માટે પણ કાયદો બનાવવાની વાત કરી છે. પાર્ટી સાથે સાથે મહિલા અનામતની પણ તરફેણ કરી છે. પાર્ટીએ કહ્યું કે, મહિલા અનામત બિલમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તથા અલપસંખ્યક મહિલાઓનું સ્થાન સુરક્ષિત કરવામાં આવશે.
પાર્ટીએ જજની નિયુક્તિમાં પણ અનામતની વાત કરી છે. જજની નિયુક્તિમાં અનામત એ પાર્ટીનો જૂનો એજન્ડા છે. આપને જણાવી દઈએ કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં એલજેપી એનડીએ સાથે મળી ચૂંટણી લડે છે જેમાં બિહારની 6 સીટ તેમના ભાગે આવી છે.