નવી દિલ્હીઃ ચીન સાથે જાસૂસી કરવાની આશંકાના આધારે વરિષ્ઠ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, તે ચીન સાથે સંરક્ષણ સંબંધિત દસ્તાવેજો શેર કરી રહ્યો હતો. જેના બદલામાં આરોપી પત્રકારને મોટી રકમ પણ મળી રહી હતી. સ્પેશિયલ સેલની તપાસ દરમિયાન એક ચીની નાગરિક અને એક નેપાળી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઇને ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં સ્પેશિયલ સેલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ FIR દાખલ કરી છે.
ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ FIR દાખલ
સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને માહિતી મળી હતી કે, એક વરિષ્ઠ પત્રકાર પાસે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો છે. તે આ દસ્તાવેડો ચીન પહોંચાડતો હતો. જેને લઇને સ્પેશિયલ સેલની ટીમ તપાસ કરી રહી હતી. આ દરમિયાન થોડી મહત્વપૂર્ણ જાણકારી મળી હતી, જેના આધારે સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. પત્રકારની તપાસ કરતાં તેમની પાસેથી સંરક્ષણ દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારબાદ આ પત્રકાર વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં આ દસ્તાવેજો ખૂબ મહત્વના લાગે છે. જેના અંગે સંરક્ષણ મંત્રાલય પાસેથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
ચીન અને નેપાળી નાગરિકની પણ ધરપકડ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજીવ શર્માની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે તેને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન રાજીવના કહેવા પર ચીનની એક મહિલા અને નેપાળના એક યુવકની સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા ખોટી કંપનીના માધ્યમથી પત્રકારને રૂપિયા પહોંચાડી રહી હતી અને તેના બદલામાં પત્રકાર પાસેથી ભારતની ઈન્ટેલિજન્સ માહિતી મેળવી રહી હતી. પોલીસે આ મહિલા પાસેથી મોબાઈલ, લેપટોપ વગેરે જપ્ત કર્યાં છે. અત્યારે સ્પેશિયલ સેલની ટીમ જનકપુરી સ્થિત પોતાની ઓફિસમાં રાજીવ શર્મા સહિત ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી રહી છે.