શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યાને 1 વર્ષ થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની ગંભીર અસર જમ્મુ-કાશ્મીરની આર્થિક સ્થિતિ પર પડી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં આર્ટિકલ 370 અને 35Aના રદ થયા પછી સતત 7 મહિના સુધી બંધ ચાલ્યું હતું. કોરોના મહામારીમાં લોકડાઉન અમલી કરવામાં આવ્યું. લગભગ એક વર્ષથી મુશ્કેલીમાં મુકાયેલા પ્રદેશની અર્થવ્યવસ્થા લથડી ગઈ છે. નિષ્ણાંતોએ 40 હજાર કરોડના ગંભીર નુકસાનની વાત કરી છે.
ETV ભારત સાથે વાત કરતાં કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (KCCI)ના અધ્યક્ષ શેખ આશીકે કહ્યું કે, "સરકારે 7 મહિનાનું બંધ અમલી બનાવ્યું અને ત્યારબાદ કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. આ કારણોસર જમ્મુ-કાશ્મીરને રૂ.40 હજાર કરોડનું નુકસાન થયું છે. કાશ્મીરના અર્થતંત્રને આ મોટા નુકસાનથી બેકારીમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે, પરિસ્થિતિએ મોટા તેમજ નાના ધંધાકીય એકમો બંનેને નોકરીમાં કાપ મૂકવાની ફરજ પડી છે."
જમ્મુ કાશ્મીર ઇકોનોમિક કન્ફેડરેશન (J&K)ના સહ કન્વીનર અબરાર અહમદ ખાને ETV ભારતને કહ્યું કે, "7 મહિનાથી ચાલતા બંધ અને ત્યારબાદ લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટર અને પર્યટન ઉદ્યોગ સહિતના તમામ વ્યવસાયિક ક્ષેત્રો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. દરેકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિકટ આર્થિક સ્થિતિ બેકારીને કારણે વધુ ગંભીર બની છે."