ગુજરાત

gujarat

ETV Bharat / bharat

16 સપ્ટેમ્બર: આંતરરાષ્ટ્રીય ઓઝોન લેયર સંરક્ષણ દિવસ

આજે છે એટલે કે 16 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ઓઝોન લેયર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાણો આ દિવસનો ઇતિહાસ અને શા માટે ઉજવવામાં આવે છે ઓઝોન લેયર સંરક્ષણ દિવસને...

ઓઝોન
ઓઝોન

By

Published : Sep 16, 2020, 3:17 PM IST

ન્યૂઝ ડેસ્ક:ઓઝોન સ્તરના અવક્ષણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને તેનું સંરક્ષણ કરવા માટેના સંભવિત ઉકેલો શોધવા માટે દર વર્ષે 16મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ મનાવવામાં આવે છે. ઓઝોન સ્તર એ વાસ્તવમાં વાયુનું એક નાજુક આવરણ છે, જે પૃથ્વીને સૂર્યનાં કિરણોનાં હાનિકારક તત્વોથી બચાવે છે અને આ રીતે તે ધરતી પર જીવસૃષ્ટિનું જતન કરે છે. ઓઝોનનો અવક્ષય કરી રહેલા પદાર્થોના ઉપયોગને ક્રમશઃ નિયંત્રિત કરવાથી તથા સંબંધિત પગલાં લેવાના કારણે વર્તમાન તેમજ ભાવિ પેઢીઓ માટે ઓઝોનના સ્તરનું રક્ષણ કરવામાં મદદ મળી છે અને સાથે જ ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કામગીરી કરવા માટેના વૈશ્વિક પ્રયત્નોમાં પણ તેનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ ઉપરાંત, તેણે હાનિકારક અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને પૃથ્વી પર પહોંચતું અટકાવીને માનવ આરોગ્ય તથા પારિસ્થિતિકી તંત્ર (ઇકોસિસ્ટમ)નું પણ રક્ષણ કર્યું છે. વિશ્વ ઓઝોન દિવસ, 2020ની થીમ છે, “ઓઝોન ફોર લાઇફ” (જીવન માટે ઓઝોન). આ વર્ષે આપણે વૈશ્વિક સ્તરે ઓઝોન સ્તરના રક્ષણનાં 35 વર્ષની ઊજવણી કરી રહ્યાં છીએ, જે આપણને યાદ અપાવે છે કે, પૃથ્વી પર આપણાં જીવન માટે ઓઝોન અત્યંત આવશ્યક છે અને આપણે ભાવિ પેઢીઓ માટે પણ ઓઝોનનું સંરક્ષણ કરવાના પ્રયાસો ચાલુ રાખવા જોઇએ.


વિશ્વ ઓઝોન દિવસનો ઇતિહાસ:

પૃથ્વી પર સૂર્ય પ્રકાશ વિના જીવન શક્ય નથી. પરંતુ જો ઓઝોનનું સ્તર ન હોત, તો સૂર્યમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા પૃથ્વી પર જીવન પાંગરવા માટે પ્રતિકૂળ પુરવાર થઇ હોત. આ સમતાપ મંડળ પૃથ્વીને મોટાભાગના અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી બચાવે છે. સૂર્ય પ્રકાશ જીવનને શક્ય બનાવે છે, પણ ઓઝોનનું પડ તે શક્યતા આડેના અવરોધોને દૂર કરે છે.

ઓઝોનના સ્તરના અવક્ષયને વૈજ્ઞાનિક પુષ્ટિ મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાયે ઓઝોનના પડને બચાવવા માટે પગલાં લેવા માટે સહકાર માટેની વ્યવસ્થા પ્રસ્થાપિત કરી. આ વ્યવસ્થા વિએના કન્વેવન્શન ફોર ધી પ્રોટેક્શન ઓફ ધી ઓઝોન લેયરમાં સ્થાપિત થઇ, જેને 22મી માર્ચ, 1985ના રોજ 28 દેશો દ્વારા સ્વીકૃત કરવામાં આવી અને તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર, 1987માં તેને પગલે ઓઝોન સ્તરનો અવક્ષય કરતા પદાર્થો પર મોન્ટ્રિયાલ પ્રોટોકોલ ઘડવામાં આવ્યો.

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 16મી સપ્ટેમ્બરને ઓઝોન સ્તરના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મુકરર કર્યો હતો. આ નિર્ણય 19મી ડિસેમ્બર, 2000ના રોજ લેવાયો હતો. 1987માં ઓઝોન સ્તરનો અવક્ષય કરતા પદાર્થો પરના મોન્ટ્રિયાલ પ્રોટોકોલ પર રાષ્ટ્રોએ જે દિવસે હસ્તાક્ષર કર્યા હતા, તેને અંકિત કરવાના હેતુથી આ તારીખ નક્કી કરવામાં આવી હતી.

ઓઝોન સ્તરનો અવક્ષય કરતા પદાર્થો પરના 1987ના મોન્ટ્રિયાલ પ્રોટોકોલની તારીખની સ્મૃતિમાં 1994ના રોજ યુએન જનરલ એસેમ્બલીએ 16મી સપ્ટેમ્બરના દિવસને ઇન્ટરનેશનલ ડે ફોર ધી પ્રિઝર્વેશન ઓફ ધી ઓઝોન લેયર જાહેર કર્યો હતો.

ઓઝોનના ક્ષય માટે જવાબદાર વાયુઓના સ્વરૂપને કારણે તેમની રાસાયણિક અસરો 50થી 100 વર્ષ સુધી યથાવત્ રહેવાની શક્યતા છે. વળી, આ દિવસે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરના લાભ વિશે સમજૂતી પૂરી પાડે છે અને આ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન થાય છે.

16મી સપ્ટેમ્બર, 2009ના રોજ વિએન્ના કન્વેન્શન તથા મોન્ટ્રિયાલ પ્રોટોકોલ સાર્વત્રિક સમર્થન મેળવનારી યુનાઇટેડ નેશન્સના ઇતિહાસની પ્રથમ સંધિઓ બની.

ઓઝોન સ્તરનો ક્ષય કરનારા પદાર્થો અંગેના મોન્ટ્રિયાલ પ્રોટોકોલને સ્વીકારનારા પક્ષોએ 15મી ઓક્ટોબર, 2016ના રોજ રવાન્ડાના કિગલી ખાતે યોજાયેલી પક્ષોની 28મી બેઠકમાં હાઇડ્રોફ્લોરોકાર્બન્સ (HFCs)નું ઉત્સર્જન ક્રમશઃ ઘટાડવાના કરાર કર્યા હતા. આ કરાર કિગાલી કરાર તરીકે ઓળખાય છે.


ઓઝોનના સ્તરનું મહત્વ: ઓઝોન (રાસાયણિક દ્રષ્ટિએ, ઓક્સિજનના ત્રણ અણુઓનો પરમાણુ) મુખ્યત્વે વાતાવરણના સૌથી ઉપરના વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે, આ ભાગ પૃથ્વીની સપાટીથી 10 અને 50 કિમીની વચ્ચે આવેલો છે, જે સમતાપ મંડળ તરીકે ઓળખાય છે. તેને પડ કે સ્તર કહેવાતું હોવા છતાં ઓઝોન વાતાવરણમાં નીચા સંકેન્દ્રણમાં મોજૂદ છે. આ પડ જ્યાં સૌથી જાડું છે, તે સ્થળોએ પણ હવાના પ્રત્યેક દસ લાખ અણુઓમાં ઓઝોનના ગણ્યાગાંઠ્યા કરતાં વધુ અણુઓ નથી.

પણ તેમનું કાર્ય અતિ મહત્વનું છે. સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ રેડિએશન્સને શોષી લઇને ઓઝોનના અણુઓ પૃથ્વી પરની જીવ સૃષ્ટિ પરનું મોટું જોખમ દૂર કરે છે. UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણોના કારણે ચામડીનું કેન્સર તથા અન્ય બિમારીઓ થઇ શકે છે અને વનસ્પતિ અને પ્રાણીઓ વિકૃતિનો શિકાર બની શકે છે.


ઓઝોનનો ક્ષય થવા પાછળનાં કારણો : ઓઝોનનો ક્ષય થવા પાછળનું મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિ, અને તેમાંયે ક્લોરિન અને બ્રોમાઇન ધરાવતાં માનવ-સર્જિત રસાયણો છે. આ રસાયણો ODS તરીકે, અર્થાત્, ઓઝોન ડિપ્લિટિંગ સબસ્ટન્સિઝ (ઓઝોનનો ક્ષય કરનારા પદાર્થો તરીકે) ઓળખાય છે. 1970ના દાયકાના પ્રારંભથી વિજ્ઞાનીઓ સમતાપ મંડળમાં ઓઝોનના આવરણમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું નિરીક્ષણ કરતા હતા અને ખાસ કરીને ધ્રુવીય પ્રદેશોમાં આ પ્રમાણ નોંધપાત્ર હોવાનું માલૂમ પડ્યું હતું. ઓઝોનનો ક્ષય કરનારા મુખ્ય પદાર્થોમાં ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs), કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હાઇડ્રો ક્લોરોફ્લોરોકાર્બન (HCFCs) અને મિથાઇલ ક્લોરોફોર્મનો સમાવેશ થાય છે. કેટલીક વખત બ્રોમિનેટેડ ફ્લોરોકાર્બન્સ તરીકે ઓળખાતો હેલોન્સ પણ ઓઝોનના ક્ષય માટે કારણભૂત છે. ODS પદાર્થો આશરે 100 વર્ષ સુધી અસ્તિત્વ ધરાવે છે.

શા માટે આ વર્ષનું આર્કટિક ઓઝોનનું ગાબડું વિશાળ હતું ?

આ વર્ષે આર્ક્ટિક પરના ઓઝોનનો ક્ષય ઘણો જ વિશાળ હતો. વિજ્ઞાનીઓનું માનવું છે કે, સમતાપ મંડળમાં અત્યંત ઠંડા તાપમાન સહિત વાતાવરણની અસાધારણ સ્થિતિ આ માટે જવાબદાર છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના અહેવાલ મુજબ, ઠંડું તાપમાન (80 ડિગ્રી કરતાં નીચે તાપમાન), સૂર્ય પ્રકાશ અને ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFCs) જેવા પદાર્થો આર્કટિકમાં ઓઝોનના ક્ષય માટે જવાબદાર છે.

સામાન્યપણે આર્કટિકનું તાપમાન એન્ટાર્કટિકા જેટલું નીચું થતું નથી, તેમ છતાં, આ વર્ષે ઉત્તર ધ્રુવ ફરતે ફૂંકાયેલા શક્તિશાળી પવનને કારણે હવા ઠંડી થઇ ગઇ હતી, જે પોલાર વોર્ટેક્સ (સમતાપ મંડળના પવનના વમળ) તરીકે ઓળખાય છે.

“ધ્રુવ પ્રદેશના શિયાળાની સમાપ્તિ સુધીમાં ઉત્તર ધ્રૂવ પર પ્રથમ સૂર્ય પ્રકાશ સાથે ઓઝોનના આ અસાધારણ ક્ષયની શરૂઆત થઇ, જેના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડું પડ્યું. જોકે, દક્ષિણ ગોળાર્ધમાં સામાન્યપણે જોવા મળતા ઓઝોનના ગાબડાંની તુલનામાં આ ગાબડાંનું કદ હજી પણ નાનું છે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે, ઓઝોનમાં પડેલું ગાબડું પુરાવા પાછળનું કારણ કોરોનાવાઇરસ મહામારીને કારણે લાગુ કરવામાં આવેલું લોકડાઉન દરમિયાન પ્રદૂષણનું નીચું થયેલું પ્રમાણ નહીં, બલ્કે ધ્રુવીય વમળ (પોલાર વોર્ટેક્સ) છે.

ઓઝોન રિકવરી : 2018ના ઓઝોન અવક્ષય ડેટાના વૈજ્ઞાનિક મૂલ્યાંકન અનુસાર, સમતાપ મંડળના ભાગોમાં ઓઝોનના સ્તરમાં 2000ના વર્ષથી પ્રત્યેક દાયકાદીઠ એકથી ત્રણ ટકાના દરે રિકવરી જોવા મળી છે. “આ સૂચિત દરો સાથે, ઉત્તર ગોળાર્થ અને મધ્ય અક્ષાંશમાં ઓઝોનના સ્તરમાં 2030ના વર્ષ સુધીમાં રિકવરી આવે, તેવી અપેક્ષા છે અને ત્યાર બાદ 2050 સુધીમાં દક્ષિણ ગોળાર્ધ અને અને 2060 સુધીમાં ધ્રુવીય પ્રદેશોમાં ઓઝોનના સ્તરમાં સુધારો (રિકવરી) થવાની અપેક્ષા છે,” તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

જો તમે ઓઝોનના સ્તરનો વધુ અવક્ષય થતો અટકાવવા માગતા હોવ, તો આ પાંચ મુદ્દા હંમેશા ધ્યાનમાં રાખોઃ


જાહેર પરિવહનનો ઉપયોગ કરોઃ વાહનોમાંથી નીકળતા પ્રદૂષણના કારણે ધુમાડો થાયા છે, જે ઓઝોનના સ્તર માટે નુકસાનકારક છે. આથી, ખાનગી વાહનોનો બિનજરૂરી ઉપયોગ કરશો નહીં. સાઇકલનો ઉપયોગ એ સૌથી સાનુકૂળ ઉપાય પૈકીનો એક છે. જો તમારે કારનો ઉપયોગ કરવો પડે, તો કારપૂલ અજમાવી જુઓ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરો.

રિસાઇકલઃ રિસાઇકલિંગ એ જીવનના મુખ્ય ઉપાયો પૈકીનો એક હોવો જોઇએ. સૂકા અને ઓર્ગેનિક કચરાને વર્ગીકૃત કરો. પોલિથિન અથવા પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ટાળો. તેના બદલે પુનઃ વપરાશમાં લઇ શકાય તેવી અને રિસાઇકલ કરી શકાય તેવી થેલીનો ઉપયોગ કરો.

ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો ખરીદોઃ વિવિધ ઉત્પાદનોમાંથી પેદા થતાં ઝેરી રસાયણો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવે છે. આથી, જ્યૂટ બેગ, પુનઃ વપરાશમાં લઇ શકાય તેવાં કન્ટેનર્સ, પ્લાન્ટેબલ પેન્સિલ જેવાં ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો ખરીદીને આ દૂષણને દૂર કરવાનો પ્રયત્ન કરો.

જંતુનાશકોનો ઉપયોગ ટાળોઃ જંતુનાશકો (પેસ્ટિસાઇડ્ઝ) એ પ્રાણીઓ ઉપરાંત માનવી માટે પણ અત્યંત નુકસાનકારક પદાર્થ છે. મહત્તમ ઊપજ મળે, તે સુનિશ્ચિત કરવા માટે ખેડૂતો જંતુનાશકોનો છંટકાવ કરીને શાકભાજી ઉગાડે છે. તમારાં પોતાનાં શાકભાજી ઉગાડીને આ પ્રવૃત્તિ દૂર કરવાનો પ્રયત્ન કરો. વળી, અન્ય લોકોને પણ છોડ-રોપાંનું રક્ષણ કરવા માટેના કુદરતી ઉપાયો સૂચવો.

CFCsનું ઉત્સર્જન કરતાં ઉત્પાદનોનો ઉપયોગ ટાળોઃ માન્યામાં નહીં આવે, પણ રેફ્રિજરેટર અને એસી જેવાં ઘરના રોજિંદા વપરાશનાં ઉપકરણો CFCsનું ઉત્સર્જન કરે છે. ઘણાં ઉત્પાદનોમાં તેના પર પ્રતિબંધ મૂકાયો છે અથવા તો ઘટાડો કરવામાં આવ્યો છે, ત્યારે આ ઉત્પાદનોના ઉપયોગ પર નજર રાખવી એ સલામતીભર્યું છે.

ABOUT THE AUTHOR

...view details