ભારતીય વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇકનો એક વીડિયો જાહેર કર્યો છે. આ એક પ્રમોશન વીડિયો છે. વીડિયોમાં એ જણાવવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે કે, વાયુસેનાએ કેવી રીતે આતંકવાદીના ઠેકાણાને નષ્ટ કર્યા અને કેવી રીતે આતંકવાદીના કેમ્પને તબાહ કર્યા.
ભારતીય વાયુસેનાના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ વીડિયો જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હુમલા અંગે માહિતગાર કરવાનો છે. લોકો માટે એ જાણવું ખુબ જ જરૂરી છે કે, કેવી રીતે ભારતીય સૈન્યએ પોતાની જીંદગીનો જુગાર રમીને પાકિસ્તાનને તેની કરતુતનો જવાબ આપ્યો.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામામાં પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક નાપાક હરકતને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો.