નવી દિલ્હી: વડા પ્રધાન મોદીએ કોરોના સામેના યુદ્ધમાં દેશવાસીઓને મદદની અપીલ કરી છે. આ માટે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું છે. દેશનો કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ આ ભંડોળમાં દાન આપી શકે છે.
વડા પ્રધાને તેના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને તેની અપીલ કરી છે અને સાથે એકાઉન્ટ નંબર સહિતની તમામ માહિતી પણ શેર કરી છે. વડા પ્રધાનની અપીલ બાદ ભારતીય ઉદ્યોગ સહિત અનેક હસ્તીઓએ પીએમ કેયર્સ ફંડમાં પૈસા ફાળવ્યા છે.
પીએમ કેયર્સ ફંડને 500 કરોડનું દાન આપશે પેટીએમ
કોવિડ -19 રોગચાળા સામે લડવામાં ફાળો આપનારા ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમએ રવિવારે કહ્યું કે તેણે પીએમ કેયર્સ ફંડને 500 કરોડનું દાન આપવાનું નક્કી કર્યું છે.
ટાટા ટ્રસ્ટ 1,500 કરોડ રૂપિયા આપશે
શનિવારે ટાટા ટ્રસ્ટે કોરોના વાઇરસ રોગચાળા સામે લડવા 1,500 કરોડના દાનની જાહેરાત કરી હતી. ટાટા જૂથની કંપનીઓની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે કોવિડ-19 રોગચાળાને રોકવા અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે 1000 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી હતી, જ્યારે ટાટા ટ્રસ્ટે અગાઉ 500 કરોડનું વચન આપ્યું હતું.
કર્મચારી પેન્શન યોજના (ઇપીએસ)ના કાર્યક્ષેત્ર હેઠળ આવતા પેન્શનરો દાન આપશે. ઇપીએસ 95 હેઠળ આવરી લેતા પેન્શનરોની સંખ્યા લગભગ 65 લાખ છે. તેઓ પણ તેમનું એક દિવસનું પેન્સન દાનમાં આપશે.
કલ્યાણ જ્વેલર્સ 10 કરોડ રૂપિયા આપશે
કલ્યાણ જ્વેલર્સે કોવિડ-19 સામેની લડતમાં 10 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. કલ્યાણ જ્વેલર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની સ્થાનિક અને સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરશે જેથી ફંડની યોગ્ય ફાળવણી થઈ શકે.
કોટક મહિન્દ્રા બેંક 50 કરોડ રૂપિયાની સહાય કરશે
કોટક મહિન્દ્રા ગ્રુપે 50 કરોડ રૂપિયાની સહાય આપી છે. તેમણે કહ્યું હતું કે તેઓ કોરોના વાઇરસ સામે લડવા માટેના પીએમકેર ફંડમાં 50 કરોડ રૂપિયા દાનમાં આપી રહ્યા છે.