યુરોપિયન સંસદના કુલ 751 સંસદસભ્યોમાંથી 626 સભ્યોની ભારે બહુમતી સાથે જુદા જુદા છ ઠરાવો, કાશ્મીર અને CAA બાબતમાં આકરા ટીકાત્મક શબ્દો સાથે, દાખલ કરવામાં આવ્યા છે. આ ઠરાવો (ઠરાવ નંબરો B9-0077/2020 થી B9-0082/2020 સુધી) છ મુખ્ય રાજકીય પક્ષોના સભ્યો દ્વારા દાખલ કરાયા છે અને આ અઠવાડિયે બ્રસેલ્સમાં મળનારા અધિવેશનમાં તેને હાથ પર લેવામાં આવશે. 29 જાન્યુઆરીએ આ ઠરાવો પર ચર્ચા શરૂ થશે અને બીજા દિવસે 30 જાન્યુઆરીએ તેના પર મતદાન થશે.
આ બાબતમાં સત્તાવાર રીતે ભારતના વિદેશ મંત્રાલયે કોઈ ટીપ્પણી કરવા ઇનકાર કર્યો છે, પરંતુ સત્તાવાર વર્તુળો એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે CAA ભારતની સંસદમાં સત્તાવાર રીતે પસાર કરાયો છે તેની નોંધ બ્રસેલ્સમાં લેવાશે.
“અમને માહિતી મળી છે કે યુરોપિયન સંસદના કેટલાક સભ્યો CAA વિશે ઠરાવ કરવા માગે છે. CAA સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે. બીજું કે આ કાયદાને યોગ્ય પ્રક્રિયા અને લોકતાંત્રિક રીતે સંસદના બંને ગૃહોમાં ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યો છે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
સત્તાવારી રીતે જાહેર થયેલા એજન્ડા પ્રમાણે યુરોપિયન કમિશનના વાઇસ-પ્રેસિડેન્ટ જોસેફ બોરેલ સૌપ્રથમ 'ભારતના સિટિઝનશીપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2019' વિશે એક નિવેદન આપશે અને બાદમાં ઠરાવો પર ચર્ચા અને મતદાન થશે. અગાઉ સપ્ટેમ્બર 2019માં પણ યુરોપિયન સંસદે કલમ 370ની નાબુદી પછી ચર્ચા કરી હતી, પણ તેના પર મતદાન કરાયું નહોતું.
“નાગરિકતા આપવાની બાબતમાં હકીકતમાં યુરોપમાં પણ આવું જ વલણ લેવાયેલું છે, તેથી અમને આશા છે કે ઠરાવો લાવનારા આગળ વધતા પહેલાં વાસ્તવિકતા જાણવા અમારો સંપર્ક કરશે,” એમ ભારતીય વર્તુળોએ જણાવ્યું હતું.
ઠરાવોમાં માનવ અધિકારોના આંતરરાષ્ટ્રીય ધોરણોમાંથી ઘણાનો ભારતે ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કાશ્મીરમાં રાજકીય વ્યક્તિઓની અટક તથા સંદેશવ્યવહાર અટકાવી દેવાયો વગેરે દાખલા ટાંકવામાં આવ્યા છે. CAAના વિરોધમાં દેખાવો થયા ત્યારે ઉત્તર પ્રદેશમાં પોલીસે ગોળીબાર કર્યો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ને કારણે મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રીયતા ગુમાવશે અને મુશ્કેલીમાં મૂકાશે તેવી ચિંતા છે વગેરે બાબતોનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ મહિનાની શરૂઆતમાં રાઇસીના ડાયલોગ્ઝ પરિષદ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન જયશંકર સાથે બોરેલની મુલાકાત થઈ હતી તે દરમિયાન આ મુદ્દાઓ ચર્ચાયા હોવાનું માનવામાં આવે છે. ઠરાવોમાં CAA વિરોધી દેખાવો દરમિયાન સરકારની કાર્યવાહીમાં લોકોએ જીવ ગુમાવ્યા તેનો ઉલ્લેખ કરીને સરકારે પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવી જોઈએ, કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવી લેવા જોઈએ તથા સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને CAA વિશે પુનઃવિચાર કરવો જોઈએ વગેરે ઉલ્લેખો કરવામાં આવ્યા છે.
“સાથી લોકશાહી તરીકે યુરોપિયન સંસદે એવા કોઈ નિર્ણયો ના લેવા જોઈએ, જે બીજા દેશોમાં લોકતાંત્રિક પ્રણાલીથી ચૂંટાયેલી સરકારે લીધેલા નિર્ણયો સામે સવાલો ઉઠાવતા હોય,” એમ ભારતીય અધિકારીઓ ભારપૂર્વક જણાવી રહ્યા છે.
આગામી 13 માર્ચે યુરોપિયન યુનિયન-ભારતની શીખર પરિષદ મળવાની છે અને તે માટે નરેન્દ્ર મોદી બ્રસેલ્સ જવાના છે, પરંતુ આ પ્રકારના ઠરાવો પસાર થાય તો તેની અસર પરિષદ પર થઈ શકે છે. એક ઠરાવમાં મોદી બ્રસેલ્સના પ્રવાસે હોય ત્યારે આ મુદ્દે તેમની સાથે ચર્ચા કરવા માટેનો પણ છે. કેટલાક વિદેશી રાજદૂતોને જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે લઈ જવાયા હતા, ત્યારે તેમાં યુરોપિયન દેશોના રાજદૂતો જોડાયા નહોતા.
રાજકીય નેતાઓ અને નાગરિકોને મળવા માટેનો આગ્રહ યુરોપિયન રાજદૂતોએ રાખ્યો હતો, તેવા અહેવાલોને વિદેશ મંત્રાલયે નકારી કાઢ્યા હતા. યુરોપિયન રાજદૂતો એક સાથે અને અન્ય તારીખે જવા માગતા હતા, તેથી અલગથી પ્રવાસ ગોઠવાશે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.
- સ્મિતા શર્મા