ન્યૂઝડેસ્ક :ઓબ્સ્ટેટ્રીશીયન્સ અને ગાયનેકોલોજીસ્ટના કહેવા પ્રમાણે ગર્ભવતી મહિલાઓ જો Covid-19નો ભોગ બને તો તેમને સગર્ભાવસ્થા દરમીયાન અથવા ત્યાર બાદ કેટલીક સમસ્યાઓ ઉભી થવાની સંભાવના રહેલી છે.
રુટજર્સ રોબર્ટ વુડ જોન્સન મેડીકલ સ્કુલના ઓબ્સ્ટેટ્રીક્સ અને ગાયનેકોલોજીના પ્રોફેસર, જસ્ટીન બ્રાન્ડેના જણાવ્યા પ્રમાણે, “જો કોઈ ગર્ભવતી મહિલા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થાય તો તેમણે પોતાના ઓબ્સ્ટેટ્રીશીયન્સ નો ફોન કરીને આ વાતની જાણ કરવી જોઈએ. જો કોરોના વાયરસના ગંભીર લક્ષણો જણાય તો તેમણે હોસ્પીટલમાં સારવાર લેવી જોઈએ.”
મોટાભાગના અહેવાલો જણાવે છે કે ગર્ભમાં રહેલુ બાળક માતા દ્વારા કોરોના વાયરસથી સંક્રમીત થવાની સંભાવના ખુબ ઓછી છે પરંતુ Covid-19નો ભોગ બનેલી ગર્ભવતી મહિલા દ્વારા જન્મેલુ નવજાત શીશુ જન્મની સાથે કોરોના વાયરસના એક ચોક્કસ પ્રકારના એન્ટીબોડી ધરાવે છે જે સુચવે છે બાળક ગર્ભાવસ્થામાંજ કોરોના વાયરસના સંપર્કમાં આવ્યુ હતું.
બ્રાન્ડે વધુમાં જણાવે છે કે, “ગર્ભમાં રહેલા બાળકને કેટલુ જોખમ રહેલુ છે તે જાણવા માટે આપણી પાસે વધુ ડેટા હોવો જોઈશે પરંતુ ગર્ભવતી મહિલામાંથી ગર્ભમાં રહેલા શીશુમાં વાયરસનુ પહોંચવુ ચીંતાનું કારણ ચોક્કસથી હોઈ શકે છે કારણકે જો ગર્ભમાં રહેલુ બાળક સંક્રમીત થાય તો જન્મજાત ખામી, જન્મતાની સાથે કોઈ બીમારી અથવા પ્રસુતીમાં અન્ય કોઈ પ્રકારની મુશ્કેલી ચોક્કસ સર્જાય શકે છે.”
વધુમાં તેઓ જણાવે છે કે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થવાની સંભાવનાઓને નહીવત કરવા માટે ગર્ભવતી મહિલાઓએ સોશીયલ ડીસ્ટન્સીંગ રાખવુ જોઈએ. આ ઉપરાંત પોતાના ઘરમાં જ રહીને કોઈપણ પ્રકારના સામાજીક મેળાવળાઓમાં સામેલ થવાથી બચવુ જોઈએ. જો તેમણે ઘરથી બહાર જવું ફરજીયાત હોય તો એવા સમયે તેમણે તેમના હાથ વારંવાર ધોવા જોઈએ, પોતાના મોંને અડકવાથી બચવુ જોઈએ તેમજ જે લોકો બીમાર છે અથવા જે લોકોના સ્વાસ્થ્ય વીશે તે જાણતા નથી તેવી દરેક વ્યક્તિથી ઓછામાં ઓછુ છ ફુટનું અંતર રાખવુ જોઈએ.
તેમણે જણાવ્યુ કે નજીકના ભવિષ્યમાં જેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેવા દંપતીઓએ આગામી થોડા મહિનાઓ માટેનો કેટલોક સામાન જેમ કે, ખોરાક, ટાયલેનોલ જેવી દવાઓ, થર્મોમીટર તેમજ સાબુ, ટોયલેટ પેપર અને વોશીંગ ડીઓડ્રન્ટ જેવી ઘર વપરાશની વસ્તુઓને ખરીદી લેવી હીતાવહ છે.
બીજી તરફ, વિશ્વભરમાં કોરોના વાયરસના 1 મીલિયનથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે તેમજ યુનાઇટેડ સ્ટેટ્સમાં મૃત્યુઆંક 6,200ને પાર પહોંચી ગયો છે ત્યારે ટ્રંપ સરકારે કહ્યુ છે કે તેઓ ટુંક સમયમાં જ નવો આદેશ જાહેર કરશે જેમાં અમેરીકાના નાગરીકોને ફેસ માસ્ક પહેરવાનુ કહેવામાં આવશે જેથી કોરોના વાયરસને ફેલાતો રોકી શકાય.