ન્યૂઝ ડેસ્કઃ સતત બીજી વખત ગુજરાતનાં મુખ્યપ્રધાન બનનારા વિજય રૂપાણીએ વિદેશ પ્રવાસ કર્યાં છે. જેમાં રૂપાણી ઇઝરાયેલ ગયાં હતાં. જ્યાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરી હતી. જેથી ખેતી-શાકભાજીનું મહત્તમ ઉત્પાદન થાય અને સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય છે. ગુજરાતનાં ઇઝરાયેલ સાથેના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાની ઇચ્છા મુખ્યપ્રધાને વ્યક્ત કરી હતી. આ સિવાય CM વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં ત્યાંના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. CM રૂપાણીએ પોતાની વિદેશ યાત્રા કે વિદેશીઓની ગુજરાત મુલાકાતમાં ગુજરાતના ઉદ્યોગોમાં વધુ વિદેશી મૂડી રોકાણ પર ભાર મુક્યો છે.
વિજય રૂપાણીનો 6 દિવસીય ઇઝરાયેલ પ્રવાસ
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 6 દિવસ માટે ઇઝરાયેલનાં પ્રવાસે ગયાં હતાં. વિજય રૂપાણી ઇઝરાયેલમાં આવેલા અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. આ સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઇને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ડિજિટલ ફાર્મિંગ દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ગુજરાતનાં ખેડૂતને સમૃદ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઇઝરાયેલની વિવિધ ટેક્નોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ્સની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ તેમણે સુએઝ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઇઝરાયેલનાં સૌથી મોટા શેફેડનાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તથા તેની કામગીરીની પદ્ધતી અંગે પણ નિરિક્ષણ કર્યું હતું. ઇઝરાયેલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર મેકોરેટનાં સંચોલકો અને તેનાં અધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી.
વિજય રૂપાણીની સાથે કૃષિ રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર ઉપરાંત અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, અગ્ર સચિવ જે.પી ગુપ્તા, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમાર, ગુજરાત એગ્રોના એમ.ડી મહ્મમદ શાહિદ, રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ખેતી નિયામક ભરત મોદી બાગાયત નિયામક વઘાસિયા પણ ઇઝરાયલ પ્રવાસમાં જોડાયા હતાં. પ્રવાસ દરમિયાન વિજય રૂપાણીએ ઇઝરાયેલમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડિસેલિનેશન પ્લાન્ટ્સ- એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઇઝરાયલમાં વસતા ભારતીય સમુદાયો સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.
વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે
વિજય રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનો હવાઈ મથકે ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ ઉષ્માપૂર્ણ સત્કાર કર્યો હતો. મુખ્યપ્રધાન સાથે ઉદ્યોગપતિઓ, પ્રગતિશીલ ખેડૂતો પણ ડેલિગેશનમાં જોડાયા હતાં. વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન ખાતેના એન્ડિજાનમાં સૌપ્રથમ આતરાષ્ટ્રીય રોકાણ ફોરમમાં હાજરી આપી હતી. તેમના આ પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ, એન્ડિજાન પ્રદેશના ગવર્નર તથા સમરકંદ અને બુખારાના ગવર્નરો તેમજ તાશ્કંદ શહેરના મેયર સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. આ પ્રવાસ દરમિયાન તેઓ, એન્ડિજાન સમરકંદ, બુખારા અને તાશ્કંદમાં યોજાનારા બિઝનેસ ફોરમમાં પણ ગુજરાત ડેલિગેશન સાથે હતાં. મુખ્યપ્રધાન સાથે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જઇ રહેલા પ્રતિનિધિ મંડળમાં રાજ્યના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, હોસ્પીટાલિટી, ફાર્માસ્યુટિકલ એન્ડ હેલ્થ કેર, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસિંગ, ડેરી, ટેક્ષટાઇલ વગેરે ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો અને પ્રગતિશીલ ખેડૂતો પણ હતાં.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે ગયાં હતાં. જ્યાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રૂપાણીએ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાને અહીં શારદા યુનિવર્સિટીના કૅમ્પસને પણ ખુલ્લું મૂક્યું હતું. ઉઝ્બેકિસ્તાનનું ભારત સાથે વર્ષો જૂનું કનેક્શન છે અને છે મુગલ શાસકો. ભારતમાં સ્થાયેલા મુગલ શાસનની કડીઓ ઉઝ્બેકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારતમાં વિશાળ મુગલ શાસનનો પાયો નાખર બાબરનો જન્મ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં થયો હતો.
નમસ્તે ટ્રમ્પ: મોદી-ટ્ર્મ્પ-રૂપાણી
24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો બહતો. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા હતાં. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું હતું. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રંપ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ, મેલાનિયા ટ્રમ્પે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને ચરખો કાંતવો શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો.