આ સંદર્ભમાં કોરોના દરમિયાન વિશ્વભરની શાળાઓ શરૂ કરવા માટે યુનિસેફ, યુનેસ્કો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO), ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ (TAG) અને અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. અહીં શાળાઓએ અનુસરવાના કેટલાક ચાવીરૂપ મુદ્દાઓ વિશે સમજૂતી આપવામાં આવી છેઃ
શું શાળા સેફ ઝોનમાં આવેલી છે?
શાળાઓને તેમના વિસ્તારોમાં મહામારીની સંવેદનશીલતાના આધારે, તેમના વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યાના આધારે તથા તે વિસ્તારમાં કોરોનાના વ્યાપની ગતિને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટે શાળાઓને કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
અત્યંત સંવેદનશીલ હોય તેવા, રેડ ઝોન અથવા તો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં શાળાઓ ખોલવી જોઇએ નહીં.
કોરોનાના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય, તેવા વિસ્તારોમાં તમામ જરૂરી માપદંડોનું પાલન કરીને શાળાઓ ખોલવી જોઇએ.
આવા વિસ્તારોમાં તમામ બાળકોની નિયમિત હાજરીના બદલે બાળકોને જૂથમાં વિભાજિત કરી શકાય અને તેમના માટે ધોરણ અનુસાર વર્ગો માટે જુદો-જુદો સમય નિયત કરી શકાય. આ ઉપરાંત, જૂદાં-જુદાં જૂથનાં બાળકો માટે વૈકલ્પિક દિવસોએ પણ વર્ગો હાથ ધરી શકાય.
આ જ વ્યવસ્થા કોરોનાના કેસો ન હોય, તેવા વિસ્તારોમાં આવેલી શાળાઓમાં પણ અમલી બનાવી શકાય.
શાળાઓ માટે જારી કરવામાં આવેલી સૂચનાઓ
બાળકોને જૂથોમાં વહેંચી દો અને તેમના જુદી-જુદી શિફ્ટમાં અથવા તો વૈકલ્પિક દિવસોએ શાળા પર બોલાવો, અર્થાત્, એક દિવસ એક જૂથ અને બીજા દિવસે બીજું જૂથ.
બાળકો હોય કે શિક્ષકો, હરકોઇએ સોશ્યલ ડિસ્ટન્સ અને ફિઝીકલ ડિસ્ટન્સનું ઉચિત પાલન કરવાનું રહેશે. વર્ગખંડમાં બેસવા દરમિયાન અથવા તો શાળાના પ્રાંગણમાં ચાલતી વખતે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવવું જોઇએ.
વર્ગખંડો, શૌચાલયો, રમત-ગમતનાં મેદાનો, ભોજન માટેનાં સ્થળો, પીવાના પાણીની જગ્યા, વગેરે જેવાં સ્થળો પર તથા લેબ વગેરે જેવા વિશેષ વર્ગોનું યોગ્ય તથા નિયમિતપણે સેનિટાઇઝેશન હાથ ધરાવું જોઇએ. વળી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિયમિત સમયાંતરે અવાર-નવાર તેમના હાથ સાબુ વડે ધોઇ શકે અથવા તો સેનિટાઇઝ કરી શકે, તે માટેની વ્યવસ્થા કરવાની રહેશે.
માસ્ક વિના શાળામાં હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ તમામ પગલાં ઉપરાંત, શાળાના વહીવટી તંત્રએ વિદ્યાર્થીઓના પરિવારો સાથે યોગ્ય પ્રત્યાયન સુનિશ્ચિત કરવું જોઇએ. શાળાના વહીવટી તંત્રએ શાળામાં તેમના દ્વારા હાથ ધરાતી કાર્યવાહી અંગે માતા-પિતાને નિયમિતપણે જાણ કરતાં રહેવું જોઇએ, જેથી માતા-પિતાને તેમનાં બાળકો શાળામાં સલામત છે અને શાળામાં તકેદારીનાં પગલાં લેવાઇ રહ્યાં છે, તેની ખાતરી થાય.
બાળકો અને શાળાના કર્મચારીઓના આરોગ્યની વિગતો પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક
શાળાઓ ખૂલે, તે પહેલાં તમામ બાળકો, તેમના પરિવારો, શિક્ષકો તથા શાળામાં કામ કરતા સમગ્ર સ્ટાફના આરોગ્યની વિગતો મેળવવી જરૂરી બની રહે છે. જેથી, જો જે-તે વ્યક્તિ પર ઇન્ફેક્શનનું જોખમ તોળાતું હોય, તો સંબંધિત કાર્યવાહી હાથ ધરી શકાય. વહીવટી તંત્રએ વય અથવા તો આરોગ્યની અન્ય સ્થિતિને કારણે ઇન્ફેક્શન થવાનું ઊંચું જોખમ ધરાવતાં શાળાના કર્મચારીઓ અથવા તો વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવું જોઇએ. માર્ગદર્શિકા અનુસાર, શાળા સુધી પહોંચવા માટે સલામત પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ અથવા તો શાળા પાસે સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટન્સનાં પૂરતાં સંસાધનો છે કે કેમ, તે પણ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઇએ.
પરિવાર તથા બાળકો માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા
શાળાએ જતાં બાળકો અને તેમના પરિવારો માટે પણ કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સૂચના અનુસાર વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત છે.
બાળકો પર કોરોનાની વિપરિત અસર
વર્તમાન સ્થિતિ અનુસાર, કોવિડ-19નો ભોગ બનનારાં બાળકોની સંખ્યા ઘણી ઓછી છે. તેમાંથી, 12 વર્ષ કરતાં નીચેની વયના બાળકોમાં કોરોનાના કેસો લગભગ નહિવત્ છે. પરંતુ, એક વખત શાળાઓ ખૂલે, ત્યાર પછી પણ પરિસ્થિતિ એકસમાન રહે, તે જરૂરી નથી. વર્ગખંડોની અંદર અથવા તો કોરિડોરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું હોય, તે બરાબર છે, પણ શાળા શરૂ થાય તે પહેલાં અને પૂરી થાય, તે પછીના સમયે જુદાં-જુદાં ધોરણના વિદ્યાર્થીઓ એકઠાં થવાની શક્યતા રહે છે. આથી, પ્રત્યેક ધોરણ માટે શાળાનો જુદો-જુદો સમય નક્કી કરવો જોઇએ, જેથી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.
કોવિડ-19ની વચ્ચે વિશ્વમાં માનવ જીવન પુનઃ થાળે પડી રહ્યું છે, ત્યારે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, કોવિડ-19 મહામારીનો હજી અંત આવ્યો નથી અને લોકોએ હજી પણ નિવારણના ઉચિત પગલાંનું અનુસરણ કરવું જરૂરી છે. શાળાના વહીવટી તંત્રએ સરકાર દ્વારા જારી કરાયેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઇએ, પરંતુ ખાસ કરીને માતા-પિતાએ વ્યક્તિગત સ્તરે તકેદારીની ઉપેક્ષા ન કરવી જોઇએ. અહીં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જાણવા અને વધુ વિગતો મેળવવા માટે લિંક આપવામાં આવી છે,
https://www.mohfw.gov.in/pdf/FinalSOPonpartialresumptionofactivitiesinschools8092020.pdf