ન્યૂઝ ડેસ્કઃ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય મીડીયાએ એક તરફ, જ્યારે ઉત્તર-પૂર્વ દિલ્હી ભડકે બળી રહ્યું હતું, ત્યારે કેવી રીતે રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે મિજબાની રાખવામાં આવી હતી, તે મુદ્દો ઉછાળ્યો. UN ખાતે તથા જુદી-જુદી સરકારોમાં મંત્રણાઓ ચાલી રહી છે. મલેશિયા, ટર્કી, ઇરાન અને કેનેડા જેવા દેશોએ આ પરિસ્થિતિ પ્રત્યે મુક્તપણે ચિંતા દર્શાવી છે. તો, અન્ય ઘણા દેશોએ CAA ભારતનો આંતરિક મામલો હોવાનું કબૂલ્યું હોવા છતાં સ્થિતિને નિયંત્રણમાં લેવાની માગણી કરી છે. કેટલાંક વૈશ્વિક નાગરિકિ સમાજ સંગઠનોએ હિંસાને વખોડતાં નિવેદનો જારી કરીને CAAને રદ કરવાની માગણી કરી છે. પ્રભાવશાળી પ્રકાશનોમાં CAAના ભેદભાવયુક્ત સ્વરૂપ અને મુસ્લિમોને ટાર્ગેટ કરવા અંગેના લેખો લખાઇ રહ્યા છે. વિશ્વના સૌથી પ્રભાવશાળી વ્યાવસાયિક સામયિકોમાં સ્થાન ધરાવતા ધી ઇકોનોમિસ્ટે તોફાનોમાં નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા બદલ તેમજ આર્થિક મંદીમાં મદદરૂપ થવામાં અસમર્થ નીવડવા બદલ ખુલ્લેઆમ સરકારની ટીકા કરી કરી છે. તેણે સવાલ કર્યો છે - આવી પરિસ્થિતિમાં કોણ ભારતમાં રોકાણ કરવા ઇચ્છશે?
આપણે એ સ્વીકારવું પડશે કે, CAAના કારણે વિશ્વની નજરમાં ભારતની છબિ ખરડાઇ રહી છે. ગત 5 વર્ષમાં વિદેશ નીતિમાં વડાપ્રધાને જે લાભો મેળવી આપ્યા હતા, તે તમામ અદ્રશ્ય થઇ જવાની અણી ઉપર હોય, તેમ જણાઇ રહ્યું છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, સરકાર શા માટે આ જોઇ શકતી નથી? આખરે શા માટે તે દેશની શાંતિ અને વૈશ્વિક છબિ જોખમાવીને વિદેશીઓને નાગરિકત્ત્વ આપવા તલપાપડ થઇ છે?
આ કાયદાનું મુખ્ય લક્ષણ એ છે કે, તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એ ત્રણ પાડોશી દેશોમાં અત્યાચારોનો ભોગ બનેલા લોકોને ભારતીય નાગરિકત્વ પૂરૂં પાડે છે, શરત માત્ર એ કે, તે લોકો મુસ્લિમ ન હોવાં જોઇએ. જટિલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ને પગલે અસમમાંથી આશરે 19 લાખ લોકોને બિન-નાગરિક જાહેર કરીને તેમને ડિટેન્શન સેન્ટરોમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે ભારે સમસ્યારૂપ સ્થિતિ છે. તેના કારણે સામાન્ય ભારતીયોના મનમાં એવો ભય પેસી ગયો છે કે, તેમના નાગરિકત્વ સામે સવાલ ઉઠાવવામાં આવશે. ભાજપના પદાધિકારીઓ, ખાસ કરીને ગૃહ પ્રધાન દ્વારા ભારપૂર્વક એ મુજબનાં કરવામાં આવેલાં નિવેદનો કે, CAA, NPR, NRCનો અમલ વિદેશી ઘૂસણખોરોને હાંકી કાઢશે. તેને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડાપ્રધાને મોડે-મોડેથી 'NRCની યોજના ન હોવાની' આપેલી ખાતરી કારગત નીવડી નથી. કારણ કે, સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સ્પષ્ટ અભાવ વર્તાઇ રહ્યો છે. ગૌરક્ષા મામલે હિંસા, મોબ લિન્ચિંગ, ચૂંટાયેલા વરિષ્ઠ નેતાઓ દ્વારા ઘૃણા ફેલાવતાં ભાષણો, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં પોલીસ દ્વારા ખુલ્લેઆમ ભેદભાવ, આ તમામ બાબતોને કારણે લોકો શંકા સેવી રહ્યા છે. CAA માંથી મુસ્લિમોની બાકાત રાખવા એ છેલ્લો દાવ હતો, જેને મોટી સંખ્યામાં નાગરિકો અન્યાય અને ભેદભાવયુક્ત કાયદાની વિરૂદ્ધમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાના તેમના બંધારણીય હક્કની રજૂઆત માટે માર્ગો પર ઊતરી આવ્યા.
CAAમાં કેટલીક વિસંગતતાઓ રહેલી છે. તે જુલમની મનસ્વી વ્યાખ્યા ધરાવે છે. અત્યાચારનો ભોગ બનેલા વ્યક્તિઓને આશ્રય તથા નાગરિકત્વ આપવું એ એક ઉમદા સંવેદના છે. જેની સામે કોઇ વિરોધ ઊઠાવી શકે નહીં, પરંતુ જ્યારે દમનનો ભોગ બનેલા તે લોકોને તેમના ધર્મના આધારે પ્રાથમિકતા આપવામાં આવે અથવા તો બાકાત કરવામાં આવે, ત્યારે તે એક ભેદભાવયુક્ત કાયદો બની જાય છે. બંધારણીય સિદ્ધાંતો ધર્મના આધારે લોકોનો બહિષ્કાર કરવાની અનુમતી આપતા નથી.