દિલ્હી ચૂંટણીના થોડા સમય પહેલાં જ કેજરીવાલે કૉનૉટ પેલેસમાં હનુમાન મંદિરની મુલાકાત લીધી. ભાજપના દિલ્હી પ્રમુખ મનોજ તિવારી તેમના આ કૃત્યથી ખીજાઈ ગયા અને તેમણે કેજરીવાલને બનાવટી ભક્ત કહી દીધા. તેમણે કેજરીવાલ પર હનુમાન મંદિરે જઈને મંદિરને અશુદ્ધ બનાવવાનો આક્ષેપ કર્યો. આ ટીપ્પણીઓ દિલ્હીમાં હિન્દુઓને ગમી નહીં. હકીકતે, એક જીવંત શૉમાં કેજરીવાલે એક ઍન્કરના પડકારને સ્વીકાર્યો હતો અને હનુમાન ચાલીસા બહુ સરળતાથી અને શુદ્ધ રીતે ગાયા હતા. આ બનાવે દર્શકોનાં મન જીતી લીધાં હતાં.
શાહીનબાગમાં સીએએ વિરોધી પ્રદર્શનો અને નાકાબંધી સંદર્ભે કેજરીવાલે સારા મુત્સદીપણાના દર્શન કરાવ્યા હતા. મોટા ભાગે તેઓ આ મુદ્દે કોઈ રાજકીય વલણ લેવાથી દૂર રહ્યા હતા જે એમ મનાય છે કે તેમની તરફેણમાં ગયું. એ દેખીતું છે કે મુસ્લિમ મતદારો જે ૧૩ ટકા વસતિ છે, તેમણે આઆપની તરફેણમાં એક સંપ થઈને મતદાન કર્યું. કૉંગ્રેસ પક્ષે સીએએ વિરોધી પ્રદર્શનોનો મજબૂત રીતે બચાવ કર્યો હતો, પરંતુ તેને કોઈ મત મળ્યા નહીં. મતદારોએ આઆપને ભાજપ સામે મુખ્ય હરીફ તરીકે જોયો અને કૉંગ્રેસને કોરાણે મૂકી દીધી હતી.
ભાજપે ટીકા કરી હતી કે મુસ્લિમ પ્રદર્શનકારીઓ તેમના વિરોધ દ્વારા હિન્દુઓના રોજિંદા જીવનને અટકાવી રહ્યા છે. આ ટીપ્પણીઓના પગલે આઆપે પ્રદર્શનકારીઓને તેમની હડતાળ સમેટી લેવા અનુરોધ કર્યો હતો. મોદી સરકારે પાંચ ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની કરેલી જાહેરાતને કેજરીવાલે આવકારી હતી. આ કૃત્યો દ્વારા તેમણે હિન્દુઓનો વિશ્વાસ જીતી લીધો. ભાજપે તેમને જે હિન્દુવિરોધીનું બિરુદ આપી દીધું હતું તેમાંથી બહાર નીકળવા કેજરીવાલે ઉલ્લેખ કર્યો કે તેમની સરકારે હિન્દુ સહિત વૃદ્ધોને નિઃશુલ્ક યાત્રા પૂરી પાડી છે. તેમણે લોકોને એ પણ યાદ અપાવી કે આઆપે ભાજપના કલમ ૩૭૦ રદ્દ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું. દિલ્હી સરકારે યમુના સ્વચ્છ કરવાની જે પરિયોજના હાથ ધરી છે તેની વાત કરતા, કેજરીવાલે તે નદી શ્રીકૃષ્ણની માનીતી નદી હોવાનું વર્ણન કરીને હિન્દુઓને આકર્ષવા પ્રયાસ કર્યો હતો.
જ્યારે ભાજપના સાંસદ પરવેશ વર્માએ કેજરીવાલને ત્રાસવાદી કહ્યા ત્યારે તેમણે હોંશિયારીપૂર્વક તે દાવાને નકારી કાઢ્યો. તેમણે દિલ્હીના લોકોને એવી અપીલ કરીને તેમની સહાનુભૂતિ જીતવા પ્રયાસ કર્યો કે તેઓ નક્કી કરે કે તેઓ ત્રાસવાદી છે કે દિલ્હીના પુત્ર. તેમણે તેમને વિતેલાં વર્ષોમાં જે વિકાસની યોજનાઓ શરૂ કરી છે તેની યાદ અપાવી. દિલ્હીમાં ભારે વિજય દર્શાવે છે કે નવા મુદ્દાઓ અને વિકાસની યોજનાઓ તેમની તરફેણમાં રહ્યા.