નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની ઓછી થતી ગતિ વચ્ચે, દિલ્હી સરકાર હવે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે જોબ પોર્ટલ શરૂ કર્યું છે.
આ અગાઉ મુખ્યપ્રધાને કહ્યું હતું કે બે કરોડ લોકોની મહેનત અને સાવધાનીને કારણે કોરોનાની સ્થિતિ દિલ્હીમાં ઘણી સુધરી છે. દિલ્હી મોડેલની હવે દેશ અને દુનિયામાં ચર્ચા થઈ રહી છે.
CM કેજરીવાલે લોન્ચ કર્યું જોબ પોર્ટલ મુખ્યપ્રધાને કહ્યું કે આજે દિલ્હી સરકારે એક પોર્ટલ શરુ કર્યું છે, જેનું નામ છે- jobs.delhi.gov.in.
તેમણે કહ્યું કે, જેને કોઈ પણ પ્રકારના કામદારની જરૂર હોય, તેણે આ વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરે, જ્યારે તે જ રીતે જેને કામની જરૂર હોય તે તેની કુશળતા અનુસાર રજિસ્ટર કરી શકે છે. તેમાં તમામ પ્રકારની કેટેગરીઝ આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે આ એક પ્રકારનું રોજગાર બજાર છે, જેમાં નોકરી શોધનારા આવશે અને નોકરી આપનારા આવશે. આ પોર્ટલથી બંને પ્રકારના લોકોને ફાયદો થશે.