હૈદરાબાદઃ શનિવારે દેશમાં COVID-19ને કારણે મૃત્યુઆંક વધીને 12,948 પર પહોંચી ગયો છે. કોરોના વાઈરસના કેસની સંખ્યા 1,68,269 જેટલા એક્ટિવ કેસ સાથે 3,95,048 પર પહોંચી ગઈ છે. આજદિન સુધીમાં કુલ 2,13,830 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ઈન્ડિયા કોરોના અપડેટઃ મૃત્યુઆંક વધીને 12,948 અને 1 લાખ 68થી વધુ એક્ટિવ કેસ દિલ્હી
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે કોરોના દર્દીઓને 5 દિવસ સુધી ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરન્ટીનમાં રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ઉપરાજ્યપાલે એક આદેશ આપ્યો હતો કે, જેને દિલ્હીમાં કોવિડ-19નો ચેપ લાગશે તેને ફરજિયાત ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરન્ટીનમાં પાંચ દિવસ રહેવું પડશે. આ પછી, મુખ્યપ્રધાન કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર પોલીસે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા 48 કલાકમાં 140 નવા કોવિડ-19ના કેસ આવ્યા છે અને એકનું મોત થયું છે. મૃતક પોલીસકર્મીને મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા 10 દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2,925 પોલીસ કર્મચારીઓ આ રોગથી મુક્ત થયા છે. 31 પોલીસકર્મીના કોવિડ-19ના કારણે મોત થયા છે.
કર્ણાટક
રાજ્યના આરોગ્ય વિભાગના એક અનુમાન પ્રમાણે રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી કોવિડ-19ના કેસ આશરે 1 લાખ સુધી પહોંચી શકે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ અંદાજ વર્તમાન સ્થિતિ પર આધારિત છે જ્યારે રાજ્યભરમાં કેસ વધી રહ્યાં છે. જો હાલની પરિસ્થિતિમાંથી કોઈ સુધારો થાય છે, તો તેઓની અપેક્ષા ઓછામાં ઓછી 50,000થી 60,000 કેસની છે.
તમિલનાડુ
ટીવીએસ સુંદરમ ફાસ્ટનર્સ લિમિટેડના પ્રમુખ નારાયણસ્વામી બાલકૃષ્ણનનું શનિવારે COVID-19ના કારણે નિધન થયું હતું. દરમિયાન, રાજ્યમાં શનિવારે COVID-19ના 2,396 કેસ નોંધાયા છે અને 39ના મોત થયા છે. કોવિડ-19ના કેસની સંખ્યા 56,845 પર પહોંચી ગઈ છે. હાલમાં એક્ટિવ કેસ 24,822 છે અને 1,045ને શનિવારે રજા આપવામાં આવી છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ ધારાસભ્યએ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનો મત આપ્યા બાદ અને પક્ષની બેઠકોમાં ભાગ લીધા પછી કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્યની પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્યમાં કોરોના પોઝિટિવ આવવાથી અન્ય ધારાસભ્યોમાં ગભરાટ ફેલાયો હતો, જેમાંના કેટલાક પોતાનું પરીક્ષણ કરવા માટે હોસ્પિટલોમાં પહોંચ્યા હતા.
રાજસ્થાન
રાજસ્થાન સરકારે ખાનગી લેબ્સ અને હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓને કોરોના વાઈરસના પરીક્ષણ અને સારવાર માટેના ખર્ચને ફિક્સ કરી દીધો છે. સરકારે રૂ. 2,200 ખાનગી લેબ્સ દ્વારા નમૂનાઓની ચકાસણી માટે. કોઈ પણ ખાનગી હોસ્પિટલ સામાન્ય બેડ માટે દરરોજ 2,000 અને વેન્ટિલેટરવાળા આઇસીયુ બેડ માટે રુ.4,000થી વધુ લઈ શકશે નહીં. જો કોઈ ખાનગી લેબ અથવા હોસ્પિટલ આ કિંમત કરતાં વધુ ચાર્જ લેશે તો તેમના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે.
ઉત્તરાખંડ
મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે આગામી કાવડ યાત્રા અંગે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. અહેવાલ મુજબ, બેઠકમાં, એક સામૂહિક કરાર થયો હતો કે આ વર્ષે યાત્રા મુલતવી રાખવી જોઈએ. કારણ કે દેશમાં કોરોના વાઈરસને કારણે ભયનો માહોલ છે. કાવડ સંઘ અને તમામ સંતો તરફથી પણ આ જ પ્રસ્તાવ મળ્યો છે.