નવી દિલ્હીઃ હાલ ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિવાદાસ્પદ નિવેદન કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે દિલ્હી વિધાનસભા ચૂંટણીની રેલીમાં ઉશ્કેરણીજનક નારા લગાવ્યાં હતાં. જેને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવીને કૉંગ્રેસે અનુરાગ ઠાકુર સામે ચોક્કસ કાર્યવાહી કરવા ચૂંટણી પંચમાં સામે માગ કરી છે.
તાજેતરમાં જ ભાજપના નેતા અનુરાગ ઠાકુરે શાહીન બાગ વિરોધ કરનારાઓ સામે 'ગોલી મારો ...'ના નારા લગાવ્યા હતા, બીજી તરફ ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવી તો એક કલાકમાં શાહીન બાગના રસ્તાઓ સાફ થઈ જશે.
આ ઉપરાંત અજય માકન અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વડા સુભાષ ચોપરાની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે એમસીસીના ઉલ્લંઘન અંગે ફરિયાદ નોંધાવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ મુકવા અથવા તે વિસ્તારમાંથી ભાજપની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી.
આ અંગે મીડિયા સાથે વાત કરતા અજય માકને કહ્યું હતું કે, "ભાજપના સ્ટાર પ્રચારકો અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા અથવા તો અમિત શાહ દ્વારા પણ તેમની ચૂંટણી બેઠકો દરમિયાન વાંધાજનક ભાષાનો ઉપયોગ થાય છે. તેમની વાતો પરથી એવું લાગે છે કે, ભાજપ કોમવાદી અથવા ધ્રુવીકરણ કરવા માગે છે. દિલ્હી ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે, તેઓએ આ મામલે ચર્ચા કરવા માટે 31મી જાન્યુઆરીએ તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ કમિશ્નરોની એક બેઠક બોલાવશે અને યોગ્ય કાર્યવાહી કરશે. "
ચૂંટણી પંચે આ બાબતે અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે અને ભાજપ નેતાઓએ આપેલા નિવેદનોને વાંધાજનક હોવાનું સ્વીકાર્યું છે. માકને આગળ વાત કરતાં કહ્યું કે, "EC પાસે સ્ટાર પ્રચારકોની કેનવાસીંગ રદ કરવાની અને તેમને પ્રચાર માટે પ્રતિબંધ લગાવવાની શક્તિ છે. તે ભાજપના ઉમેદવારની ઉમેદવારી રદ પણ કરી શકે છે. અમને આશા છે કે, EC ભાજપના નેતાઓ સામે કોઈ છૂટ આપ્યા વિના ગંભીરતા ધ્યાને લેશે.
આમ, કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરુદ્ધ ચૂંટણી રેલી દરમિયાન ઉશ્કેરણીજનક નારા લગાવવાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ જે તે મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારી પ્રચાર કરવા કે રદ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.