હૈદરાબાદ: સેન્ટ લૂઇસ ખાતે વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો – ઓવરએક્ટિવ ઇમ્યૂન સિસ્ટમની દુર્લભ બિમારીની સારવાર માટે ફૂડ એન્ડ ડ્રગ એમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મંજૂરીપ્રાપ્ત દવા કોવિડ-19ના ગંભીર સ્થિતિ ધરાવતા હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓની સારવારમાં ઉપયોગી નીવડી શકે છે કે કેમ, તેની તપાસ ચલાવી રહ્યા છે. આ દવા ઇમ્યુન સિસ્ટમના એક ચોક્કસ પ્રોટીનને બ્લોક કરી દે છે, જે ફેફસાં, કિડની અને રક્તવાહિનીઓમાં કોરોનાવાઇરસના ઇન્ફેક્શનથી જન્મતા જોખમી પ્રતિસાદનું નિમિત્ત બનતા હોવાની ડોક્ટરોને શંકા છે.
રેવુલિઝુમેબ તરીકે ઓળખાતી આ દવા મોનોક્લોનલ એન્ટિબોડી છે, જે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને અવરોધે છે. આ દવા બે દુર્લભ આનુવંશિક બિમારીઓ – એટિપિકલ હેમોલિટિક યુરેમિક સિન્ડ્રોમ અને પેરોક્સિસ્મલ નોક્ટર્નલ હેમોગ્લોબિન્યુરિયાની સારવાર માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મંજૂરીપ્રાપ્ત છે. આ બંને બિમારીઓને કારણે નાની રક્તવાહિનીઓમાં બ્લડ ક્લોટિંગની જીવલેણ સમસ્યા ઉદ્ભવી શકે છે.
“અમે કોવિડ-19ને કારણે ફેફસાંની ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓ માટે એફડીએ દ્વારા મંજૂરીપ્રાપ્ત આ દવાનો ઉપયોગ કરી રહ્યાં છીએ. કારણ કે, કેટલાક દર્દીઓમાં જોવા મળેલી સમસ્યા આ બે આનુવંશિક બિમારીઓના દર્દીઓમાં જોવા મળતી તકલીફો સાથે સમાનતા ધરાવતી હોય તેમ જણાય છે, જેમાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ નિયંત્રણ બહાર જતી રહે છે,” તેમ વોશિંગ્ટન યુનિવર્સિટી ખાતે ટ્રાયલના મુખ્ય સંશોધક તથા એમડી તેમજ ડિવિઝન ઓફ પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન હૃષિકેશ એસ. કુલકર્ણીએ જણાવ્યું હતું.
“કોમ્પ્લિમેન્ટ સિસ્ટમનું એક્ટિવેશન કોવિડ-19ના દર્દીઓમાં આપણને જોવા મળે છે, તે શરીરના કેટલાંક અંગોને હાનિ પહોંચાડવા માટે આંશિક રીતે જવાબદાર હોવાના પુરાવા મોજૂદ છે. અમારૂં માનવું છે કે, આ એક્ટિવેશનને બ્લોક કરવું, એ સંશોધન કરવા માટેનો વ્યવહારૂ રીતે સંભવિત અભિગમ છે.”
આ ટ્રાયલ અલ્ટોમિરિસ બ્રાન્ડ નેમ હેઠળ રેવુલિઝુમેબ બનાવતી એલેક્સિયન ફાર્માસ્યુટિકલ્સની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી. વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન એ આ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા ચાર દેશોનાં પાંચ સ્થાનો પૈકીની એક છે. વૈશ્વિક સ્તરે, સંશોધકો 270 પુખ્ત વયના દર્દીઓ પર ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે. તે પૈકીના 20 જેટલા દર્દીઓ બાર્ન્સ-જ્યુઇશ હોસ્પિટલના રહેશે. ઇન્ટેન્સિવ કેર યુનિટ્સમાં દાખલ કરવામાં આવેલા અને ગંભીર ન્યૂમોનિયા, કોવિડને કારણે અક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ અથવા ફેફસાંને નુકસાન પહોંચ્યું હોય - તેવા દર્દીઓને અનિશ્ચિત (રેન્ડમલી) ધોરણે કાં તો ઇન્ટ્રાવેન્યુઅસ રેવુલિઝુમેબ અને શ્રેષ્ઠ સપોર્ટિવ કેર અથવા તો માત્ર સ્ટાન્ડર્ડ સપોર્ટિવ કેર આપવામાં આવશે.
એમડી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન, ટ્રાયલના સહ-સંશોધક તથા નેફ્રોલોજિસ્ટ અનુજા જાવાના જણાવ્યા પ્રમાણે, કોમ્પ્લિમેન્ટ ઓવરડ્રાઇવ તરફ દોરતી એક જિનેટિક બિમારી – એટિપિકલ હેમોલિટિક યુરેમિક સિન્ડ્રોમ કિડનીને જે રીતે નુકસાન પહોંચાડે છે, તે લક્ષણો ઘણી વખત કોવિડ-19નાં ગંભીર લક્ષણો ધરાવનારા દર્દીઓની કિડનીમાં થતા નુકસાન સાથે સમાનતા ધરાવતાં જોવા મળ્યાં છે.
“અક્યુટ કિડની ડેમેજ એ કોવિડ-19ની જાણીતી સમસ્યા છે અને ઘણા દર્દીઓને ડાયાલિસીસ કરાવવાની જરૂર પડે છે,” તેમ જાવાએ જણાવ્યું હતું, જેઓ જ્હોન કોચરન વેટર્નસ અફેર્સ સેન્ટ લૂઇસ હેલ્થ કેર સિસ્ટમ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમનું પણ સંચાલન સંભાળે છે. “આ ક્લિનિકલ ટ્રાયલ કોવિડ-19ની ગંભીરતામાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમની સંભવિત ભૂમિકા વિશેની અમારી સમજૂતીનું પ્રત્યક્ષ પરિણામ છે. યોગ્ય સમયે કોમ્પ્લિમેન્ટ ઇન્હિબિટરનો ઉપયોગ કરીને આ વ્યવસ્થાનું નિયમન કરવાથી દર્દીઓને સંભવિતપણે મદદ મળી શકશે કે કેમ તે અમે જાણવા માંગીએ છીએ.”
જર્નલ જેસીઆઇ ઇન્સાઇટમાં ઓનલાઇન પ્રકાશિત થયેલી એક સમીક્ષામાં સંશોધકોએ નોંધ્યું છે કે, કેવી રીતે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ શરીરમાં જે નાજુક સંતુલન જાળવી રાખે છે, અને ગંભીર પ્રકારના કોરોના સંક્રમણ સામે લડી રહેલા કેટલાક દર્દીઓ માટે કેવી રીતે આ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ ઘાતકી સાબિત થઇ શકે છે.
સંશોધકોએ એ પુરાવાની સમીક્ષા કરી હતી કે, કોવિડ-19 જેના કારણે થાય છે, તે વાઇરસ SARS-CoV-2, એક કરતાં વધુ રીતે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને ઉદ્દીપ્ત કરે છે અને કોવિડ-19ની જોખમી સ્થિતિ ધરાવનાર દર્દી પ્રારંભિક વાઇરલ ઇન્ફેક્શન નિયંત્રણ હેઠળ આવી ગયા બાદ કોમ્પ્લિકેશન્સને મંદ પાડવામાં નિષ્ફળ જાય છે. કોવિડ-19થી પીડાતા આવા દર્દીઓની સમસ્યા કોમ્પ્લિમેન્ટ સિસ્ટમના દુર્લભ જિનેટિક ડિસોર્ડર ધરાવતા દર્દીઓની સમસ્યા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. આ સમસ્યામાં કોગ્યુલેશન (લોહી ગંઠાવું)નો સમાવેશ થાય છે, જેના કારણે ફેફસાં, કિડની, મસ્તિષ્ક અને રક્ત વાહિનીઓ સહિતના સમગ્ર શરીરમાં જોખમી બ્લડ ક્લોટ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જ અન્ય જૂથો દ્વારા પણ હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, કોવિડ-19ના કેટલાક દર્દીઓ આનુવંશિક વિભિન્નતા ધરાવે છે, જેના કારણે તેઓ દુર્લભ વારસાગત બિમારી ન ધરાવતા હોવા છતાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમનો ભોગ બનવાની વધુ શક્યતા ધરાવે છે.
“એવું જણાય છે કે, કોમ્પ્લિમેન્ટ કાં તો મિત્ર અથવા શત્રુ બની શકે છે,” તેમ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન, એમડી, પીએચડી આલ્ફ્રેડ કિમે જણાવ્યું હતું. “અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, કઇ બાબત કોવિડ-19 સામેના રક્ષણાત્મક પ્રતિસાદ વિરૂદ્ધ બિમારીને સંભવિતપણે ગંભીર બનાવવાનો તફાવત ઊભો કરે છે.”
આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ મેડિસિન કેથરિન લિઝેવ્સ્કીએ જણાવ્યું હતું કે, “આ કોરોનાવાઇરસ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને ખાળવાની વ્યવસ્થા ધરાવે છે, જે વિશે હાલના તબક્કે અમે જાણકારી ધરાવતા નથી. અમે ઇચ્છીએ છીએ કે, શરૂઆતમાં કોમ્પ્લિમેન્ટ વાઇરસને લડત આપે અને પછીથી (જ્યારે તેણે આપમેળે મંદ પડી જવાનું હોય, ત્યારે) તે મંદ ન પડે, તો કોમ્પ્લિમેન્ટને બ્રેક મારવા માટે શરીરને મદદ કરવી.”
સેમ્યુઅલ બી. ગ્રાન્ટ પ્રોફેસર ઓફ ક્લિનિકલ મેડિસનના એમડી જ્હોન એટકિન્સને જણાવ્યું હતું કે, “કોવિડ-19ના દર્દીઓ પર ઘણી થેરેપી અજમાવી જોવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે, અમારૂં માનવું છે કે, દર્દીઓને ક્લિનિકલ ટ્રાયલમાં સહભાગી થવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવે, તે અગત્યનું છે. અનિશ્ચિત (રેન્ડમ) રીતે દવાનું પરીક્ષણ કરવાથી કરવાથી જ દવા કારગત નીવડે છે કે કેમ, તે જાણી શકાય છે. અમને આશા છે કે, કોવિડ-19નાં ગંભીર લક્ષણો ધરાવનારા દર્દીઓની સારવારમાં દવા કેટલીક અસરકારકતા દર્શાવશે.”