અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા ચિરાગ પટેલ ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકેની કામગીરી સંભાળતા હતા. ગુરુવાર 15 માર્ચના રોજ રજા હોવાથી ઘરે હતા. ત્યારબાદ પોતાના ભાઈ સાથે વાત કરી હતી. પરંતુ ગુરૂવાર રાત્રે ઘરે નહીં આવતા તેમના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પણ ગયા હતા. પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હતી. ત્યારબાદ કઠવાડા પાસેની એક અવાવરુ જગ્યાએથી ચિરાગ પટેલનો અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પાસે પડેલા પર્સમાંથી ખાનગી ચેનલનું આઈ કાર્ડ મળી આવતા તેની ઓળખ થઈ હતી. આ બનાવને પાંચ દિવસ થવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને પકડી શકી નથી. પરિણામે ચિરાગ પટેલના પરિવારજનો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પાસે રજૂઆત માટે પહોચ્યા હતા.
પત્રકાર ચિરાગ પટેલના મોતની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે કરાવો :પરિવાર
ગાંધીનગરઃ અમદાવાદના ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલની અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પત્રકાર આલમમાં ખળભળાટ મચી ગયો હતો. પરિવારજનો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. ત્યારે આ બનાવને પાંચ દિવસ થવા છતાં પોલીસ અંધારામાં આંટાફેરા કરી રહી છે. સરકાર દ્વારા તપાસ ચાલુ હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. આ કારણોસર ચિરાગ પટેલના પરિવારનો આજે ગૃહપ્રધાનને રજૂઆત કરવા આવ્યા હતા. ચિરાગ પટેલના મોટાભાઇએ કહ્યું કે, પોલીસ હજુ સુધી કશું કરી શકી નથી. ત્યારે ચિરાગ પટેલની હત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે.
મૃતક ચિરાગ પટેલના કાકા રમણભાઈ પટેલ અને તેના મોટાભાઈ જૈમીન પટેલે કહ્યું કે, ચિરાગ પટેલની હત્યાને આજે પાંચ દિવસ થયા છે. લોકલ પોલીસ હજુ સુધી કશું કરી શકી નથી. ત્યારે આ મામલાની ઝડપી તપાસ થાય અને આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં આવે તે માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ ગૃહપ્રધાન મળ્યા નથી. ત્યારે તેમના અંગત સચિવ મનોજભાઈ પટેલને રજૂઆત કરી હતી. અમારી માગ છે કે, અમારા દીકરાની મોતની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે કરાવવામાં આવે. ચિરાગની કોઈ જગ્યાએ દુશ્મની ન હતી. ત્યારે આ પ્રકારનો બનાવથી અમે પોતે અચંબિત થઈ ગયા છીએ.
આ બાબતે મુખ્યપ્રધાન દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે કે, ચિરાગ પટેલના મોતની તપાસ ઝડપથી કરવામાં આવે. મુખ્યપ્રધાન દ્વારા તપાસના આદેશ આપવામા આવ્યા છે. પરંતુ મંત્રી નિવાસમાં બેઠેલા ગૃહપ્રધાન એક પત્રકારની મોતની ગંભીરતા સમજતા નથી તેવું જોવા મળી રહ્યું છે.