ચંદીગઢ: ચંદીગઢના રાષ્ટ્રીય ગ્રાહક કલ્યાણ પરિષદના સચિવ વિક્રમજિત સિંહ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સચિવે બાબા રામદેવ સામે આઈપીસીની કલમ 275, કલમ 276 અને 307 હેઠળ કેસ કરવાની માગ કરી છે. સોમવારે કોર્ટ આ મામલે સુનાવણી કરશે.
કોરોનિલ દવાના વિવાદ મામલે બાબા રામદેવ પર ચંદીગઢ અદાલતમાં કેસ કરવા અંગે અરજી કરાઈ
કોરોનિલ દવાની જાહેરાત થયા બાદ, બાબા રામદેવ અને તેમની પતંજલિ આયુર્વેદ કંપની પર ચંદીગઢ જિલ્લા અદાલતમાં અરજી કરી તેના વિરુદ્ધ કેસની માગ કરવામાં આવી રહી છે. જેમાં બાબા રામદેવ વિરુદ્ધ ભેળસેળયુક્ત દવાઓ વેચવાના અને હત્યાના પ્રયાસના આરોપ હેઠળ કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. ફરિયાદીએ કહ્યું છે કે, તે સોમવારે આ મામલે હાઇકોર્ટમાં પણ અરજી કરશે.
ETV BHARAT સાથે વાત કરતા ફરિયાદી વિક્રમજિતસિંહ બરાડે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડીજીએ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ કોવિડ -19 વેક્સીન 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં આવી શકે છે. ફરિયાદી વિક્રમજિતસિંહે કહ્યું કે, રામદેવબાબાએ તેમની જવાબદારી સમજવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું કે, બાબા રામદેવ લોકોના જીવન સાથે ચેડા નથી કરી શકતા. કોરોના વાઇરસએ એક નાનો રોગ નથી, પરંતુ મહામારી છે. પ્રેસ કોન્ફરન્સ યોજતા પહેલા અને દવાઓ બનાવવાનો દાવો કરતા પહેલા બાબા રામદેવે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.