ભારતનો ફાર્મા ઉદ્યોગ છેલ્લા બેથી ત્રણ દાયકાઓમાં ફૂલ્યો-ફાલ્યો છે. આફ્રિકા જેવા અવિકસિત દેશોથી લઇને અમેરિકા જેવા વિકસિત દેશો ભારતમાંથી દવાઓ આયાત કરે છે. વધુમાં, ભારત એન્ટિ-મેલેરિયાની દવાઓના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે. અમેરિકા, બ્રાઝિલ અને ઇઝરાયેલ સહિતના ઘણા દેશોએ ભારતને હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો પુરવઠો પૂરો પાડવા માટે વિનંતી કરી છે. તેની સાથે-સાથે આપણે આપણી સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવું પણ જરૂરી છે. આ સંજોગોમાં, રાષ્ટ્રીય ફાર્મા કંપનીઓએ તેમની ઉત્પાદન-ક્ષમતામાં અનેકગણો વધારો કરી દીધો છે. પરંતુ અહીં એક મહત્વની સમસ્યા એ છે કે, ફાર્મા કંપનીઓ હાલની માગને પહોંચી વળવા માટે ચાવીરૂપ ઇન્ગ્રેડિઅન્ટ્સ (સામગ્રી)ની અછતનો સામનો કરી રહી છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણાની કંપનીઓએ તેમનો સંગ્રહ લગભગ ખાલીખમ કરી નાંખ્યો છે. ઔદ્યોગિક નિષ્ણાતોનું કહેવું છે કે, જો ઇન્ગ્રેડિઅન્ટ્સનો પુરવઠો નહીં મળી રહે, તો ઉત્પાદન કરવું અશક્ય છે. ખાસ કરીને સ્થાનિક ફાર્મા કંપનીઓ એચસીક્યૂ (હાઇડ્રોક્સિક્લોરોક્વિન)ની બનાવટ માટે જરૂરી એવાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઇ)ની તંગીનો સામનો કરી રહી છે.
શું ભારત API પરની વધુ પડતી નિર્ભરતા ઘટાડી શકશે ? - એઝિથ્રોમિસીન
હજી સુધી કોરોનાવાઇરસનો ઇલાજ શોધાયો નથી. ફાર્મા ઉદ્યોગ પાસે પણ તેની કોઇ દવા નથી. રસી વિકસાવવાના પ્રયત્નો હજી યથાવત્ છે. આ પરિસ્થિતિમાં, અન્ય બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક દવાઓ કોવિડ-19ના દર્દીઓને રાહત પહોંચાડતી હોવાનું પુરવાર થયું છે. પરિણામે, આવી દવાઓ માટેની માગમાં ઊછાળો આવ્યો છે. તે પૈકીની કેટલીક દવાઓમાં એન્ટિ-એચઆઇવી, એન્ટિ મેલેરિયા તથા એન્ટિબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વિશાળ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ધરાવે છે.
આંધ્ર પ્રદેશ અને તેલંગણાની ફાર્મા કંપનીઓ મુખ્યત્વે એન્ટિ-એચઆઇવી દવાઓ, એઝિથ્રોમિસીન અને ક્લોરોક્વિનનું ઉત્પાદન કરે છે. વર્તમાન સમયમાં ક્લોરોક્વિનની ઘણી માગ છે. સ્થાનિક ફાર્મા કંપનીઓ હાઇડ્રોક્સિક્લોરોક્વિન અને ક્લોરોક્વિન ફોસ્ફેટ ટેબ્લેટ્સ બનાવી રહી છે, કારણ કે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં આ દવાની ઊંચી માગ પ્રવર્તી રહી છે. પરંતુ ઉત્પાદનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા એપીઆઇ નથી. કોવિડ-19ની શરૂઆત થઇ, એ પહેલાં એચસીક્યૂ દવાઓનું કોઇ બજાર જ ન હતું. તે મેલેરિયા, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને લ્યુપસ જેવી બિમારીઓ માટે બનાવવામાં આવતી હતી. એચસીક્યૂના વપરાશ અને નિકાસનું પ્રમાણ પણ ઘણું જ નીચું હતું. પરિણામે, કંપનીઓએ એચસીક્યૂના ઉત્પાદન માટે જરૂરી એપીઆઇના સંગ્રહ પર ધ્યાન આપ્યું ન હતું. કોવિડ-19એ માથું ઊંચક્યું, ત્યાર બાદ એચસીક્યૂની માગ વધી ગઇ છે. ફાર્મા કંપનીઓએ મહત્તમ માત્રામાં એપીઆઇનો ઉપયોગ કરીને દવાનું ઉત્પાદન શરૂ કરી દીધું. જો એપીઆઇના નવા સ્ટોકની આયાત ન થાય, ત્યાં સુધી વધુ ઉત્પાદન હાથ ધરી શકાશે નહીં.
ક્લોરોક્વિનના ઉત્પાદકોમાં ઇપ્કા લેબોરેટરીઝ, ઝાયડસ, સિપ્લા અને હૈદરાબાદ સ્થિત હિટરો ડ્રગ્ઝ, નેટકો ફાર્મા અને લૌરસ લેબ્ઝ જેવી અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનો સમાવેશ થાય છે. તેમણે એચસીક્યૂનું ઉત્પાદન વધારી દીધું હોવા છતાં, એપીઆઇની તંગી પ્રવર્તી રહી છે. આ પૈકીની કેટલીક કંપનીઓએ ચીનથી રો મટિરીયલનો ઓર્ડર આપ્યો છે અને તેઓ કન્ટેનર્સના આગમનની રાહ જોઇ રહી છે. બીજી તરફ, કેટલીંક સ્થાનિક કંપનીઓ અને એપીઆઇ એકમો એચસીક્યૂના રો મટિરીયલના ઉત્પાદનમાં સંકળાયાં છે. ડ્રગ્ઝ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન ઓફ તેલંગણાએ પણ આ પડકાર ઝીલ્યો છે અને કેટલાંક બલ્ક ડ્રગ્ઝ યુનિટ્સને ઇન્ટરમીડિએટ્સનું ઉત્પાદન કરવા વિનંતી કરી છે. ક્લોરોક્વિનની માગ ઘટી, ત્યાર પછી આ પૈકીનાં ઘણાં ખરાં એકમોને તાળાં વાગી ગયાં હતાં. તે હવે ફરી ખૂલી રહ્યાં છે. એક સ્થાનિક ફાર્મા કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ ચીનમાંથી એપીઆઇનો માલ આવે, તેની રાહ જોઇ રહ્યા છે. એચસીક્યૂ ઉપરાંત, કોવિડ-19 સામે ઉપયોગમાં લેવાના હેતુથી એઝિથ્રોમાઇસિન, ક્લોરોક્વિન ફોસ્ફેટ, પેરાસિટામોલ, મોન્ટેલુકાસ્ટ, ઓસેલ્ટામાઇવિર, ફેવિપાઇરાવિર, રેમડેસીવીર અને આઇવરમેક્ટિન જેવી એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-વાઇરલ દવાઓનું ઉત્પાદન પણ વધારી દેવાયું છે.