નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશવાસીઓને ગભરાવાની જરુર નથી. જરુરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. કેન્દ્ર અને બધા જ રાજ્યની સરકાર એક સાથે મળીને કામ કરશે. જેનાથી લોકોને જરુરી ચીજ વસ્તુઓ મળી રહે. એક સાથે મળી કોવિડ-19 વિરુદ્ધ લડશે અને એક તંદુરસ્ત ભારતનું નિર્માણ કરશે. કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કેન્દ્ર સરકારે આજે 15000 કરોડના ફંડની જાહેરાત કરી છે.
કોરોના વાઈરસના કહેરને લઈ આજ રાતના 12 કલાકથી 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકોના મનમાં સવાલો થઈ રહ્યા છે કે, કઈ સેવા મળશે અને કઈ સેવા મળશે નહી. વડાપ્રધાન સાથે ગૃહ મંત્રાલયે પણ એક ગાઈડલાઈન બહાર પાડી છે.