હૈદરાબાદ: દર મહિને વીજ મીટરની રીડિંગ લેનારાઓથી હવે લોકોને છુટકારો મળશે. હૈદરાબાદના સિકંદર રેડ્ડી થાંદ્રા અને વિનય ભાર્ગવે ભારત સેલ્ફ મીટર રીડિંગ એપ લોન્ચ કરી છે. જેના દ્વારા ગ્રાહકો પોતે જ પોતાના બીલની તપાસ કરી શકશે, તેમજ પૈસા પણ બચાવી શકશે.
ધ ટેક ડ્યુઓના નિર્માતા સિકંદર રેડ્ડી થાંદ્રા અને વિનય ભાર્ગવે માર્ચ 2020માં આ એપ ડેવલપ કરવાનું શરૂ કર્યુ હતુ. આ પહેલા તેમણે અન્ય એપ ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે થઇ શક્યુ નહિ. ત્યારબાદ વિનય સાથે હાથ મિલાવી સિકંદરે એક નવી શરુઆત કરી.
વિનય ભાર્ગવ IIT હૈદરાબાદથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સ્નાતક છે. તેઓ અનેક પ્રકારના સ્ટાર્ટ અપમાં પોતાનુ યોગદાન આપી ચુક્યા છે. તેમણે મીટર રીડિંગ, બિલીંગ કનેક્શન સંબંધી સંશોધન માટે લગભગ 14 વર્ષનો સમય વિતાવ્યો. એપ ટેસ્ટીંગ તેમજ પરીક્ષણ પણ તેમણે જ કર્યુ. આ એપથી સ્કેન આધારિત મીટર રીડિંગ પણ થઇ શકશે.
સિકંદર અને વિનય બંને ગર્વથી કહે છે કે તેમણે ડિસકોમ (DISCOM) માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નાના વિસ્તારો માટે પીઓસી (PoC) શરૂ કર્યુ હતું. કોવિડ-19 લોકડાઉનના સમયગાળામાં બંનેએ ઝડપથી એપ લાઇવ કરી અને તે ભારતના મોટાભાગના વીજ વપરાશકર્તાઓ સુધી પહોંચી. ભારત સેલ્ફ મીટર રીડિંગ એપ દ્વારા યુટિલીટી અને ગ્રાહકો બંને વચ્ચે સેતુ સ્થપાશે.