નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર છે, ત્યારે યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થતી હોવાનો દાવો કરતી જાહેરાત કરી હતી. બીજી તરફ કેન્દ્રએ પતંજલિને કહ્યું કે, સરકારને આ દવાની વિગતો આપો અને જ્યાં સુધી દવા અંગે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ જાહેરખબર ન કરો.
બાબા રામદેવે કોરોનાની ત્રણ દવાઓ પૈકી કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરી હતી. જેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે.
કોરોના માટે રામદેવના રામબાણ ઈલાજનું સુરસુરીર્યું, જાહેરાત પર પ્રતિબંધ રામદેવે દાવો કર્યો હતો કે, આ દવાના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીનો સમાવેશ કરાયો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતાં. જેમાં 3 દિવસની અંદર 69 ટકા દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયા છે. આમ, રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ સામેલ છે.
રામદેવે કહ્યું કે, આ ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર થશે અને રોગને અટકાવી શકાય છે, પરંતુ કેન્દ્રએ હાલ પુરતી આ દવાના ઉપયોગ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે કેન્દ્રએ કહ્યું કે, અમે તપાસ પૂરી કરી લઈએ પછી જ આનો ઉપયોગ કરવો, ત્યાં સુધી કોઈ જાહેરાત કે પબ્લિસિટી કરવી નહીં.