જયપુરઃ હજી તો યુપીના હાથરસના દુષ્કર્મનો મામલો શાંત નથી થયો તેવામાં રાજસ્થાનમાં પણ બે બાળકી ઉપર દુષ્કર્મ થયાનો આક્ષેપ તેના પિતાએ કર્યો છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટનાની નિંદા કરતા જણાવ્યું કે, રાજસ્થાનના બારામાં થયેલી ઘટનાની તુલના હાથરસની ઘટના સાથે કરી અયોગ્ય છે. જોકે બારામાં બાળકીઓએ પોતે મેજિસ્ટ્રેટ સામે નિવેદનમાં જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી છોકરાઓ સાથે ફરવા ગઈ હતી. સાથે જ બંને બાળકીનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.
અશોક ગેહલોતે કહ્યું, છોકરાઓ પણ સગીર જ છે. આ મામલે હજી તપાસ ચાલુ છે. જોકે આ કેસની તપાસ હજી પૂરી થઈ નથી. આ ઘટનાને વિપક્ષ હાથરસની ઘટના સાથે જોડે છે તે રાજ્ય અને દેશની જનતાને ગુમરાહ કરવા જેવું છે. બારામાં સગીરા બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને વિપક્ષે ગેહલોત સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા કે, કોંગ્રેસનું હાઈકમાન્ડ ઉત્તરપ્રદેશના હાથરસની ઘટના પર નિવેદન આપતા પહેલા પોતાના જ ઘરમાં એટલે કે રાજસ્થાનમાં થયેલી ઘટના પર નજર રાખે તો સારું. આ સાથે વિપક્ષે કહ્યું કે, યુપી જેવી જ ઘટના અહીં રાજસ્થાનમાં ઘટી છે, પરંતુ કોંગ્રેસનું હાઈકમાન્ડ આ સમગ્ર ઘટના પર મૌન છે.