નવી દિલ્હીઃ રાજ્યભામાં વિપક્ષના જબરદસ્ત હંગામા વચ્ચે રવિવારે કૃષિ ક્ષેત્રે જોડાયેલા બન્ને બિલ સંસદમાં પાસ થયા છે. રાજ્યસભામાં આ બિલને ધ્વનિ મત મળતા બિલ પાસ થયું હતું. આ દરમિયાન વિપક્ષ પાર્ટીના સાંસદોએ ‘તાનાશાહી બંધ કરો’ના નારા પણ લગાવ્યા હતા. વિપક્ષી સભ્યોના હોબાળા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત પણ કરવી પડી હતી.
હોબાળો કરતા વિપક્ષી સભ્યોએ ઉપસભાપતિનું માઇક ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષી પાર્ટીના સાંસદોએ માંગ કરી હતી કે, આગળની ચર્ચા માટે બિલને સેલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. સરકારે કહ્યું હતું કે, આ બિલ ઐતિહાસિક છે. જેના કારણે ખેડૂતોના જીવનમાં બદલાવ આવશે. કૃષિ સંબંધિત બિલ ગત અઠવાડિયે લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું.