લોકસભાના આગામી સત્રમાં મોદી સરકાર કૃષિ અને ખેડૂતોને સંબંધિત બે મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરશે, જેમાં એક બિયારણ બિલ અને બીજુ જંતુનાશક સંચાલન બિલ છે.
આ બંને બિલ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના છે અને તેની પર ચર્ચા માટે આજે ભારતીય કૃષક સમાજે દિલ્હીમાં એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ ચર્ચામાં કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂત નેતાઓએ પોતાનો પક્ષ રજૂ કરતા રાજ્યપ્રધાન સમક્ષ માંગણી કરી હતી કે, બદલાતી ઋતુ અને ઓછામાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન આપે તેવું બિયારણ ખેડૂતોને મળવું જોઈએ.
ભારતીય કૃષક સમાજ તરફથી પ્રમુખ કૃષ્ણબીર ચૌધરીએ ખેડૂતોની વાત રજૂ કરી હતી. પુરુષોત્તમ રૂપાલાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, કાયદો કોઈ પણ બને, પરંતુ તેમાં ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે.ઋતુના બદલાતા પ્રભાવમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે. ક્યારેક અનાવૃષ્ટિના કારણે ઓછુ ઉત્પાદન અને ક્યારેક વધારે વરસાદના કારણે પાક નિષ્ફળ જતો હોય છે. તેવામાં એક સંશોધન કરી એવું બિયારણ લાવવામાં આવે જે તમામ પરિસ્થિતિમાં સારૂ ઉત્પાદન આપી શકે છે.
ઈટીવી ભારત સાથે વાતચીત કરતા કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ સાર્થક ચર્ચા ભારતીય કૃષક સમાજે આયોજીત કરી છે અને સરકાર તેમના સૂચનો અને ઉપાયો ધ્યાનમાં રાખશે.
કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાનના સીધા સંવાદમાં કાર્યક્રમમાં પહોચેલા ખેડૂતો સંતુષ્ટ દેખાયા. હવે બધાની નજર આવનારા લોકસભાના સત્રમાં રજૂ થનારા બંને બિલો પર છે. મોદી સરકાર આ બિલોમાં ખેડૂતો અને કંપનીઓના હિતોનું રક્ષણ કેવી રીતે કરશે તે જોવું રહ્યું.