ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આપણા યુગને લાયક છેલછબીલો યુવાન

એક નાના રજવાડાના રાજાએ મસ્જિદની બાજુમાં જ મંદિર બનાવ્યું અને રમખાણો થયા તે પછી દેખાવો કરી રહેલા મુસ્લિમો પર ફાયરિંગ કરાયું અને તેમાં ઘણા બધા માર્યા ગયા હતા.

આપણા યુગને લાયક છેલછબીલો યુવાન
આપણા યુગને લાયક છેલછબીલો યુવાન

By

Published : Aug 17, 2020, 10:19 PM IST

એક નાના રજવાડાના રાજાએ મસ્જિદની બાજુમાં જ મંદિર બનાવ્યું અને રમખાણો થયા તે પછી દેખાવો કરી રહેલા મુસ્લિમો પર ફાયરિંગ કરાયું અને તેમાં ઘણા બધા માર્યા ગયા. પોતાની દિકરી કૉલેજમાં સાથે ભણતા મુસ્લિમ યુવકને પરણવા માટે તૈયાર થઈ તેના કારણે એક માતા આઘાતમાં સરી ગઈ, કેમ કે તેના માટે આ સમુદાય "હિંસક, ક્રૂર અને વ્યભિચારી" છે. કોલકાત્તાની હોય તેવી કન્યા, જેને "ભરાવદાર અને ચાલુ" કહી શકાય, કેમ કે, તેની સાસુએ તેને શુદ્ધ સોનાના મેડલ આપ્યા તેને ભંગાવીને તેણે પોતાના માટે એરિંગ્સ કરાવી લીધા.

અ સ્યૂટેબલ બૉય વખતના દિવસોને યાદ કરો અને આસપાસ જુઓ તો તમને કશું બદલાયેલું નહિ લાગે. 1993માં વિક્રમ સેઠે આ પુસ્તક લખ્યું હતું અને તેની કથા ભારત આઝાદ થયું તે પછીના તરતના 1951ના અરસાની હતી. આ જ પુસ્તક પરથી મીરા નાયરે હવે બીબીસી વન માટે 6 હપ્તાની મિનિ સિરિઝ બનાવી છે.

હાલમાં જ આપણે તૂટી પડેલી મસ્જિદની જગ્યાએ નિર્માણ પામનારા મંદિરનું ભૂમિપૂજન જોયું. આજે પણ બે ધર્મોના યુવક યુવતીઓ વચ્ચે સંબંધની વાતને ભય અને શંકાથી જોવામાં આવે છે. અને રિયા ચક્રવર્તિ માટે સોશ્યલ મીડિયામાં જે પ્રકારની વાતો ચાલી રહી છે. તેના પરથી બંગાળી નારીઓ માટે કેવી કેવી કલ્પનાઓ હોય છે. તે વધુ એક વાર સ્પષ્ટ થઈ જાય છે.

નાયરની ધ સ્યુટેબલ બૉય સિરિઝ મનોરંજક બની છે અને તેમાં મીનાક્ષી ચેટરજી મહેરાને ગ્લેમરસ અને ટોલિગંજ ક્લબમાં નાચતી દેખાડી છે. તેના નખ પર નટખટ પતંગિયું દોરેલું છે અને તે બિનધાસ્ત કહે છે કે આ પતંગિયું પૂરાઇ જવાનું છે. તેને પૂરી દેનારો છે બિલી ઇરાની, જેનું નામ જ તેને પૈસાદારનો નબીરો હોય તેવું કહી આપે છે.

એન્ડ્રૂ ડેવિસના નિર્માણ હેઠળ સિરિઝ તૈયાર થઈ છે, જેમાં ડેવિસે પોતાના મનપસંદ લેખક જેન ઓસ્ટિનની છાંટ ઉપસાવી છે. તેમાં નવાઈ લાગે તેવું નથી. પોતાની પુત્રી લતા માટે લાયક યુવાનની શોધ કરી રહેલી માતા રૂપા મહેતામાં મિસિસ બેનેટની છાપ દેખાઇ આવે છે. મિસિસ બેનેટની એક માત્ર ઇચ્છા હતી કે પોતાની દિકરીઓ સારી રીતે ઠેકાણે પડી જાય. આટલી મોટી નવલકથા પરથી સિરિઝ બતી હોય ત્યારે તેમાં નાની નાની વાતો પણ વણાઈ જવાની અને મીરા નાયરે બહુ સરસ રીતે વર્તમાન મુદ્દાઓ સાથે તેને વણી લીધી છે.

મુસ્લિમ જમીનદાર નવાબ સાહેબનું પાત્ર છે, જે "મુસ્લિમ સવાલ" જગાવે છે, કેમ કે તેમણે વિભાજન પછી પાકિસ્તાન જતા રહેવાના બદલે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેમના એક મિત્ર છે મહેશ કપૂર, જે મહેસૂલ મંત્રી છે અને તેઓ જમીનદારી નાબૂદી કાયદો લાવવા માટે કોશિશ કરી રહ્યા છે. મહિલા સશક્તિકરણની વાત પણ આવી જાય છે, કેમ કે લતા લગ્ન પછી પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માગે છે, જેથી તેનું ભણતર નકામું ના જાય. ભાષાનો પ્રશ્ન પણ છે, કેમ કે લતાનો મોટો ભાઈ કોલકાતામાં છે અને તે નવા જમાનામાં અંગ્રેજી જ ચાલે તેમ માને છે. તે હિન્દી ટાઇપવાળા લોકો તરફ જરાક નીચી નજરે પણ જુએ છે.

નરેન્દ્ર મોદીના ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચન છે કે પાંચમાં ધોરણ સુધીનો ભણતર માત્ર માતૃભાષામાં જ હોવું જોઈએ. તેની ટીકા પણ થઈ રહી છે, પણ ટીકા કરનારાને હંમેશા ભદ્રવર્ગીય ગણવામાં આવે છે અને તેના કારણે અંગ્રેજી પોતે ફરી એક સમસ્યા બને છે. અભ્યાસક્રમમાં ફેરફારનો મુદ્દો પણ છે. આ કથામાં સ્થાનિક બ્રહ્મપુર યુનિવર્સિટીની વાત છે, જેમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જેમ્સ જોયસનું અંગ્રેજી માફક નથી તેમ જૂના અધ્યાપકો માને છે.

અ સ્યૂટેબલ બૉયમાં અગ્રણી ભૂમિકા ભજવાનારી રસિકા દુગ્ગલને મેં પૂછ્યું કે આજની સ્થિતિ સાથે કઈ રીતે સિરિઝ બંધબેસતી આવે છે. તેનો જવાબ હતો કે આજે આ કથા વધારે પ્રસ્તુત લાગે છે. 'મને યાદ નથી કે સમાજમાં આટલું બધું વિભાજન અગાઉ ક્યારેય જોવા મળ્યું હોય. બહુ ડર લાગે તેવું છે. સંવાદ જ અટકી પડ્યો છે અને એક બીજા પાસેથી હવે કશું સમજવા મળે તેમ પણ નથી.''

આજે પણ સમાજમાં ભારે અસમાનતા છે: જમીનદારના ખેતરોમાં પાણી પાવાનું કામ કરતો કૂચેરું મજૂર છે, જ્યારે તેની સામે છે જસ્ટિસ ચેટરજી જેના માટે નિરાંતની પળોમાં ચાની લિજ્જત એટલી સોનેરી પળો. તેનો પુત્ર હજી હાલમાં જ ઇંગ્લેન્ડથી ભણીને આવ્યો છે. કમાણી માટે માત્ર ડિગ્રી નહિ, પણ આવડતની જરૂર હોય છે તેની વાત પણ હરેશ ખન્નાના પાત્રમાં આવી જાય છે. આ પાત્ર વિક્રમ સેઠના મોચી કામ કરનારા પિતા પરથી પ્રેરિત છે તે દેખાઈ આવે છે. વ્યવસાય અને ધંધા વચ્ચે સ્પષ્ટ ભેદ છે એમ લતાનો ભાઈ નાકનું ટિચકું ચડાવીને કહે છે. એ ભેદ આપણા સમાજમાં કાયમ રહેવાનો છે તે પણ સ્પષ્ટ છે.

કુંભ ભેળાની ભીડ અને ભાગદોડમાં અનેકનું કચડાઇ મરવું, ખાનગીમાં છટકી જવા માટે વહેલી સવારે બોટમાં બેસીને નાસવું, જાતે બની બેસેલા બાબાઓ, અહીં રાજજપ બાબા અને તેનો અંધવિશ્વાસ અને ઉંમરને બંધબેસતી ના આવે અને સૌ જેની નિંદા કરે તેવી પ્રેમકહાણી બધું જ છે. આ નવલકથા જે યુગમાં લખાઈ હતી તેને 70 વર્ષ થઈ ગયા છે, છતાં આજેય દેશમાં કંઈ બદલાયું હોય તેવું લાગતું નથી.

-કાવરી બામઝાઇ, સિનિયર પત્રકારઅને ઈન્ડિયા ટુડેના ભૂતપૂર્વ તંત્રી

ABOUT THE AUTHOR

...view details