નવી દિલ્હી: ઓછા સમયમાં અને ઓછા ખર્ચે કોરોના ટેસ્ટ કરીને રિપોર્ટ મેળવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના એન્ટિજેન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આઇસીએમઆર અને એઇમ્સ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ દિલ્હીમાં એન્ટિજેન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારને આ માટે 50 હજાર એન્ટિજેન ટેસ્ટ કીટ મળી છે.
પ્રથમ દિવસે 7040 લોકોએ કોરોના એન્ટિજેન ટેસ્ટ કરાવ્યો, 456 પોઝિટિવ
દિલ્હીમાં કોરોના એન્ટિજેન ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દિવસે 7040 લોકોની તપાસ કરવામાં આવી હતી.
આ કીટથી 7040 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ ટ્વિટ દ્વારા જાણકારી આપી હતી કે, દિલ્હીમાં 193 કેન્દ્રો પર રેપિડ એન્ટિજેન ટેસ્ટ થયો હતો. જેમાં કુલ 7040 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 456 લોકો પોઝિટિવ આવ્યા છે.
એન્ટિજેન ટેસ્ટથી એક જ દિવસમાં 7 હજારથી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો તેમજ રિપોર્ટ પણ તરત જ મળી ગયો હતો. તેમજ ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં ડીડીએમએની મીટિંગમાં કોરોનાને લઇને નિર્ણય લેવામાં આવ્યો કે, આગામી દિવસોમાં એન્ટિજેન ટેસ્ટનું પરિક્ષણ વધારવામાં આવશે. તેમજ હવે કોરોનાને હરાવનારા લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. જ્યારે આ ટેસ્ટમાં નેગેટિવ આવતા લોકોને પણ સર્ટિફિકેટ આપવામાં આવશે.