શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. કિલ્લોરા ગામમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અન્ય ઘણા આતંકીઓ છુપાયેલા હોવાની શંકા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ - Shopian kilora village encounter
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ શોપિયાંના કિલ્લોરા ગામે આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ઘણા આતંકવાદીઓ શોપિયાંના આ ગામમાં આવેલા એક મકાનમાં છુપાયેલા હોવાની આશંકા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ, ભારતીય સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમો આતંકવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સામેલ છે. સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સર્ચ પાર્ટીને શોપિયાંના કિલોરા ગામ સ્થિત એક મકાનમાં આતંકવાદીઓને છુપાવ્યા હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ ઘરને ચારે બાજુથી ઘેરી લીધું છે. પોતાને સેનાથી ઘેરાયેલા જોઈને આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું.