નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વધતી જતી કોરોના સંક્રમિતોની સંખ્યાની વચ્ચે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વ્યવસ્થા અને આગામી રણનીતિઓને લઇને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોના સંક્રમણના આંકડા શેર કરતા જણાવ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે, તો અત્યાર સુધીમાં 398 લોકોના મોત થયા છે.
પરમેનન્ટ લોકડાઉન સંભવ નથી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણે સ્વીકાર કરવો જોઇએ કે, અમુક દિવસોથી દિલ્હીમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યા છે, પંરતુ ડરવાની કોઇ જરુર નથી. તેમણે કહ્યું કે, અમારી સરકાર કોરોનાથી ચાર પગલા આગળ ચાલી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે, આપણે પરમેનન્ટ લોકડાઉન કરી શકીએ નહીં, કારણ કે, આજે તે કોઇ કહી શકતું નથી કે જો એક મહીનો અથવા બે મહીના લોકડાઉન કરીએ તો કોરોનાનો નાશ થશે. કોરોના રહેશે અને આપણે સારવારની વ્યવસ્થા કરવી પડશે.
મુખ્ય પ્રધાનને બે મુખ્ય ચિંતાઓ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે મારી બે ચિંતાઓ છે. પહેલી ચિંતા એ કે, કોરોનાથી મોતના કેસ ન વધે અને બીજી ચિંતા એ કે, જો દિલ્હીમાં 10 હજાર દર્દીઓ હોય અને બેડ માત્ર 8 હજાર હોય. વેન્ટિલેટર અને પીપીઇની અછત થઇ જાય. તેમણએ કહ્યું કે, અમે સતત તેને લઇને કામ કરી રહ્યા છીએ. ભલે આજે દિલ્હીમાં 17,386 દર્દીઓ છે, પરંતુ તેમાંથી માત્ર 2100 જ હોસ્પિટલમાં છે, બાકી બધા પોતાના ઘરે છે.