મુંબઈ :ચાલુ સપ્તાહની શરુઆતમાં જ ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. બજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 671 અને 198 પોઈન્ટ તૂટીને નીચા મથાળે લાલ રંગમાં બંધ થયા હતા. આજે બંને ઈન્ડેક્સ વધારા સાથે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ બજાર સતત ઘટતું રહ્યું હતું.
BSE Sensex : આજે 8 જાન્યુઆરી સોમવારના રોજ BSE Sensex ગતરોજના 72,026 બંધની સામે 87 પોઈન્ટ વધીને 72,113 ના મથાળે સપાટ ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ 72,182 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 881 પોઈન્ટ તૂટીને 71,301 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે, DII ના ટેકારુપી બાઈંગ સાથે આખરે હળવી રિકવરી બાદ BSE Sensex ઈન્ડેક્સ 671 પોઈન્ટ તૂટીને 71,355 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.93 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 198 પોઈન્ટ (0.91%) તૂટીને 21,513 ના મથાળે બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 37 પોઈન્ટના સુધારા સાથે 19,761 ના સપાટ મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,764 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 271 પોઈન્ટ ગગડીને 21,493 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે NSE Nifty 21,711 ના મથાળે બંધ રહ્યો હતો.