ન્યૂઝ ડેસ્કઃ તમે ઘરગથ્થુ ઉપચાર માટે તમારા રસોડાનાં કબાટ ફંફોસી રહ્યા હોવ, ત્યારે વર્તમાન સમયમાં ઉપલબ્ધ હોય અને વપરાશમાં હોય તેવી શ્રેષ્ઠ ચીજ એપલ સાઇડર વિનેગર (ACV) છે. ACV સમગ્ર શરીર માટે અત્યંત લાભદાયી હોવાનું માનવામાં આવે છે. જોકે, ACV શરીર માટે શી રીતે ફાયદાકારક છે, તેના વધુ પુરાવા મેળવવા માટે હજી પણ અભ્યાસો ચાલી રહ્યા છે. ACV વિશે વધુ જાણકારી મેળવવા માટે અમે બેંગલોર સ્થિત આયુરકેરનાં ડો. ટી. શૈલજા (B.A.M.S MD – આયુર્વેદ) સાથે વાતચીત કરી હતી, જેના અંશો અહીં પ્રસ્તુત છેઃ
એપલ સાઇડર વિનેગર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
અમારાં નિષ્ણાત સમજાવે છે કે, ACV તૈયાર કરવાની પ્રક્રિયા સફરજનના રસનો આથો લાવવા સાથે શરૂ થાય છે. સફરજનને ક્રશ કરી, દબાવીને તેમાંથી રસ નિકાળવામાં આવે છે અને તે રસનો આથો આવવા દેવાય છે. ત્યાર બાદ બેક્ટેરિયા આ આલ્કોહોલિક પ્રવાહીને એસેટિક એસિડ સોલ્યુશનમાં રૂપાંતરિત કરે છે. આમ, આથો આવવાની બીજી પ્રક્રિયા દ્વારા એપલ સાઇડર વિનેગર તૈયાર થાય છે.
ACV બે સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે, એક અનફિલ્ટર્ડ તથા અનરિફાઇન્ડ, જે ડહોળું દેખાય છે અને તે ‘મધર’ તરીકે ઓળખાય છે. તેમાં તમામ પ્રકારનાં પ્રોટીન અને સારા બેક્ટેરિયા હોય છે. જ્યારે બીજું ACV રિફાઇન્ડ અને સ્વચ્છ પ્રવાહી હોય છે. મધર તરીકે ઓળખાતા ACVનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય, ACVના તીવ્ર સ્વાદ અને ગંધને કારણે તેને પ્રવાહી સ્વરૂપે લઇ ન શકનારા લોકો ACVના વિકલ્પ તરીકે મળતી તેની ટેબ્લેટ પણ લઇ શકે છે. ACVની ટેબ્લેટ્સમાં હળદર અને મરી જેવા પદાર્થો ઉમેરવામાં આવ્યા હોઇ શકે છે.
આરોગ્યલક્ષી ફાયદા
ડો. શૈલજા ACV આરોગ્ય માટે કેવી રીતે લાભદાયી છે તથા તેનું સેવન કેવી રીતે કરવું જોઇએ, તે વિશે સમજૂતી આપે છે.
સેવનની માત્રા
1 ગ્લાસ (500 મિલી) પાણીમાં 1 ટેબલસ્પૂન ACV ઓગાળવું. હુંફાળું કે નવશેકું ગરમ પાણી લેવું.
ડાયાબિટીસ
ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓનું બ્લડ સુગર લેવલ નિયમિત કરવામાં ACV મદદરૂપ નીવડી શકે છે. તે બ્લડ સુગરની માત્રા ઘટાડે છે. આમ, ફાસ્ટિંગ બ્લડ સુગર ધરાવનારા લોકોએ રાતે પાણીમાં ACV મિલાવીને તેનું સેવન કરવું જોઇએ. જ્યારે પોસ્ટ મિલ સુગર ધરાવનારા લોકોએ સવારનો નાસ્તો કર્યા બાદ તેનું સેવન કરવું જોઇએ. જો તેના પર ધ્યાન આપવામાં ન આવે, તો ગ્લાઇસેમિક ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડો (હાઇપોગ્લાયસેમિયા) થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ACVનું સેવન કરતી વખતે મધ ભેળવવું નહીં.
મેદસ્વીપણું
ભારે ભરખમ વજન ધરાવનારા લોકો માટે ACVનું સેવન હિતકર છે. ACV ભૂખ ઘટાડે છે અને સાથે જ તે શરીરની ચરબી ઓછી કરે છે. વહેલી સવારે પાણી સાથે ACVનું સેવન કરવું જોઇએ. ACVની પ્રકૃતિ એસિડિક હોવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ ન થાય, તે માટે તેની સાથે બે ટેબલસ્પૂન મધ ભેળવવું યોગ્ય રહે છે.
હૃદય
અભ્યાસો દર્શાવે છે કે, ACV હૃદયના ઘણા રોગોનું જોખમ ઘટાડી શકે છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટરોલનું લેવલ ઓછું કરે છે, જે હૃદય સંબંધિત સમસ્યાઓનાં અગ્રણી પરિબળો પૈકીનું એક છે. સાથે જ તે બ્લડ પ્રેશરનું પણ નિયમન કરે છે અને આ રીતે હાઇપરટેન્શન ઘટાડે છે. ACV સાથે બે ટેબલસ્પૂન મધનું સેવન કરવું હિતાવહ છે.