વચગાળાના કેન્દ્રીય બજેટમાં સહકારી ક્ષેત્રને સમાવવાને લઈને જૂનાગઢના અગ્રણીઓ દ્વારા અપાઇ પ્રતિક્રિયા
Published : Feb 2, 2024, 12:27 PM IST
જૂનાગઢ : વચગાળાનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરાયું હતું, જેને ગુજરાતના સહકારી અગ્રણીઓએ મિશ્ર ગણાવ્યું છે. ચૂંટણીના વર્ષમાં કોઈપણ સરકાર સંપૂર્ણ અંદાજપત્ર આપતી નથી, ત્યારે ત્રણ મહિનાની વ્યવસ્થા માટે આપવામાં આવેલું વચગાળાનું અંદાજપત્ર આવનાર દિવસોમાં સહકારી ક્ષેત્રને વધુ પ્રાધાન્ય કે ઊંચાઈ પર લઈ જશે તે પ્રકારના મિશ્ર પ્રત્યાઘાતો સાથે સહકારી ક્ષેત્રે બજેટને આવકાર્યું છે.
બજેટમાં મિક્ષ પ્રત્યાઘાતો જોવા મળ્યા : ત્રણ મહિના માટેની અર્થવ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં સહકારી ક્ષેત્રને જે પ્રતિનિધિત્વ મળ્યું છે, તેને લઈને સહકારી ક્ષેત્રના અગ્રણીઓમાંથી મિશ્ર પ્રત્યાઘાતો મળી રહ્યા છે. ભાજપ સમર્થિત સહકારી અગ્રણીઓ બજેટને આવનારા વર્ષો માટેનું પથદર્શક ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષમાં સામેલ સહકારી અગ્રણીઓએ બજેટને એકદમ પાયાથી નકાર્યું છે. અને બજેટમાં સહકારી ક્ષેત્રની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી છે, તેને લઈને બજેટની જોગવાઈઓને ખાસ કરીને સહકારી ક્ષેત્રને સ્પર્શતી જોગવાઈઓ નો સમાવેશ નહીં થવાથી વિપક્ષના સહકારી અગ્રણીઓ આ બજેટને પાયાથી નકારી રહ્યા છે.
ભવિષ્ય માટે સારુ સાબિત થશે : ગુજરાત હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો. ડી. પી. ચીખલીયાએ વચગાળાના સામાન્ય અંદાજપત્રને આવકાર્યો છે અને આવનારા ભારતના ભવિષ્ય માટે પથદર્શક જણાવ્યું છે. 2047 સુધીના રોડ મેપની આ અંદાજપત્રમાં જલક જોવા મળે છે. લોકોને આર્થિક ઉન્નતિ તરફ દોરી જનારું આ બજેટ ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં કોઈ મોટા આર્થિક ભારણો ન હોવાને કારણે પણ લોકોને ઉપયોગી બનશે. કોઈપણ સરકાર ચૂંટણીના વર્ષમાં હોય ત્યારે સંપૂર્ણ બજેટ આપતી નથી, ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે વચગાળાના બજેટમાં પણ તમામ પક્ષોને આવરી લીધા છે અને કોઈને પણ નુકસાન ન થાય તે પ્રકારના કોઈ વધારા ના કરબોજ નાખ્યા વગરનું વચગાળાનું બજેટ આપીને દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં પ્રાણ પૂરનારું બજેટ સાબિત થશે.
ખેડૂતોને કોઇ ફાયદો નથી : સહકારી અગ્રણીનો પ્રતિભાવ પાછલા ત્રણ દસકા થી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અને પૂર્વ સાંસદ અને સહકારી અગ્રણી વિરજી ઠુમરે વચગાળાના કેન્દ્રીય અંદાજપત્રને પાયાથી નકાર્યું છે. તેઓ માને છે કે આ બજેટ ની અંદર ખેડૂતો કે સહકારી ક્ષેત્રને લગતી એક પણ જોગવાઈઓ કરવામાં આવી નથી. બજેટ દિશા વિહીન હોવાની સાથે મોંઘવારીમાં વધારો કરનારું પણ સાબિત થશે દરરોજ રૂપિયાની સરખામણીએ ડોલર મજબૂત બની રહ્યો છે. આવા સમયે કૃષિ ક્ષેત્ર અને ખાસ કરીને સહકારી કૃષિ ક્ષેત્રને અવગણીને કેન્દ્રીય નાણાં પ્રધાને દેશના ખેડૂતોની મજાક કરી છે. બજેટમાં ખેડૂતલક્ષી એક પણ યોજના કે ખેડૂતોને પડતી મુશ્કેલી નો ઉલ્લેખ સુધા કરવામાં આવ્યો નથી ખેડૂત અને સહકારી ક્ષેત્રને દૂર રાખીને આ બજેટ રજૂ કરાયું છે જે ભારતની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી શકે છે.