જૂનાગઢ: ઈકોઝોનનો કાયદો રદ કરવાની માંગ, ખેડૂતોની સભામાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા - JUNAGADH ECOZONE PROTESTS FARMER
Published : Oct 15, 2024, 4:30 PM IST
જૂનાગઢ: ઈકોઝોનની અમલવારીને લઈને પાછલા એક અઠવાડિયાથી ખેડૂતો અને ગામ લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વિસાવદર અને બરડીયામાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસાવદરમાં ભારતીય કિસાન સંઘ અને ભાજપના પૂર્વ પદાધિકારીઓની સાથે બરડીયામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ઈકોઝોનનો કાયદો સરકાર પરત ખેંચે તેવી માંગ કરાઈ હતી.
ઈકોઝોનના વિરોધમાં વિસાવદર અને બરડીયામાં સભા
કેન્દ્ર સરકારે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં ઈકોઝોનની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરતા જ સમગ્ર ગીર પંથકમાં સૂચિત ઈકોઝોનની અમલવારીને લઈને ખેડૂતો, ગામ લોકો અને અસરગ્રસ્ત 197 જેટલા ગ્રામ પંચાયતના સરપંચોમાં પણ ભારે વિરોધ જોવા મળે છે. ઈકોઝોનની અમલવારીને લઈને ભારતીય કિસાન સંઘ, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ સમગ્ર કાયદો પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે અસરગ્રસ્ત 197 ગામો પૈકી મોટાભાગના ગામોમાં ખેડૂત સભાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં સોમવારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને બરડીયામાં ખેડૂત સભાનું આયોજન થયું હતું. જેમાં ઇકો સેન્સેટિવ ઝોનનો સમગ્ર કાયદો કેન્દ્રની સરકાર પરત ખેંચે તેવી માંગ કરવામાં આવી હતી.
પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો આક્રોશ
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ સમગ્ર કાયદાને લઈને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હર્ષદ રીબડીયાએ અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ રાજ્ય અને કેન્દ્રની સરકારને ગેરમાર્ગે દોરીને ઈકોઝોનનો કાયદો ગીર વિસ્તારમાં અમલી કરાવવા જઈ રહ્યા છે. જો ઈકોઝોનનો કાયદો ગીર વિસ્તારમાં અમલી બનશે તો તમામ 197 ગામના ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને વર્ષ 2016 થી ઈકોઝોન સામે લડત ચલાવતા પ્રવીણ રામે ગીર વિસ્તારના ભાજપના તમામ પદાધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે આ કાયદો અમલમાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું, નર્મદા વિસ્તારમાં ઈકોઝોન પરત ખેંચવામાં આવ્યો છે. પરંતુ ગીર વિસ્તારના રાજકીય આગેવાનો અને ખાસ કરીને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે ખેડૂતોના કાયદાના સંકટ નીચે જીવી રહ્યા છે. તેમણે ભાજપના તમામ પદાધિકારીઓ રાજીનામું આપીને સરકાર પર દબાણ કરી ઈકોઝનનો કાયદો પરત ખેંચવામાં ખેડૂતોની મદદ કરે તેવી વાત કરી હતી.
ભારતીય કિસાન સંઘ પણ વિરોધમાં
ભાજપ સાથે સૈદ્ધાંતિક રીતે જોડાયેલા ભારતીય કિસાન સંઘે પણ સુચિત કાયદાનું નોટિફિકેશન બહાર પડતાં જ વિરોધમાં સામે આવી રહ્યું છે. થોડા દિવસ પૂર્વે જૂનાગઢમાં પણ ભારતીય કિસાન સંઘે બેઠક કરીને સમગ્ર કાયદાને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. તો સોમવારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી બેઠકમાં ભારતીય કિસાન સંઘે ફરીથી ઈકોઝોનનો કાયદો સમગ્ર ગીર વિસ્તારમાંથી પરત ખેંચવામાં આવે તેવી માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પણ વાંચો: