Patan: વરાણા ખાતે 15 દિવસીય લોકમેળાનો પ્રારંભ, લાખોની સંખ્યામાં ભાવિકો કરશે ખોડીયાર માતાના દર્શન - undefined
Published : Feb 11, 2024, 1:55 PM IST
પાટણ: વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી સતત પંદર દિવસ ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે મેળો ભરાય છે. જેને મીની કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સાધનો,તેમજ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટેના સ્ટોલ હોય છે. પંદર દિવસ ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખોડીયાર માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને મેળામાં મોજ માણી ચીજવસ્તુઓની ખરીદી કરે છે, જેનાથી લોકોને રોજગારી પણ મળી રહે છે. ખાસ કરીને આ વિસ્તારમાં જેના ઘરે સંતાનમાં પ્રથમ દીકરાનો જન્મ થયો હોય તેવા લોકો તલ અને ગોળની સાની બનાવી વાજતે-ગાજતે માતાજીના મંદિરે આવે છે અને બાધા માનતા પૂર્ણ કરે છે. આ વર્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના મહાનુભાવોએ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી ચાલનારા આ મેળામાં વઢીયાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.