અમદાવાદ: દિવાળી અને છઠ પૂજાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ઘણી લાંબા અંતરની વિશેષ ટ્રેન અને ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ રહી છે. દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, ભારતીય રેલવે દ્વારા છઠ અને દિવાળીના અવસર પર લગભગ 7,300 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4,500 વિશેષ ટ્રેનો હતી.
મુસાફરોને સુવિધા આપવા અને મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે પશ્ચિમ રેલ્વે દિવાળી/છઠ પૂજા તહેવારોની સીજન દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતના વિવિધ સ્થળોએ લગભગ 280 વિશેષ ટ્રેનો દોડાવી રહી છે. આ વિશેષ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા આ સ્થળોએ ચલાવવામાં આવતી નિયમિત ટ્રેનો ઉપરાંત છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરવામાં આવી રહ્યા છે.